Geo Gujarat News

વાગરા: કડોદરા ગામના સરપંચ અને ગૌસ્વામી પરિવારે વલીપોરના તેજસ્વી વિદ્યાર્થીના અભ્યાસ માટે 25,000ની કરી મદદ

કડોદરા ગામના સરપંચ યોગેશભાઈ અને સંદીપભાઈ ગૌસ્વામીએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીની ફી ભરી ઉમદા કાર્ય કર્યું.: વર્તમાન સમયમાં જ્યારે શિક્ષણ મોંઘું બની રહ્યું છે, ત્યારે સમાજમાં હજુ પણ એવા રત્નો મોજૂદ છે જેઓ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની વ્હારે આવી રહ્યા છે. આવો જ એક માનવતાવાદી કિસ્સો વાગરા તાલુકામાંથી સામે આવ્યો છે, જ્યાં કડોદરા ગામના સરપંચ અને સામાજિક અગ્રણીઓએ પિતૃછાયા ગુમાવનાર એક હોંશિયાર વિદ્યાર્થીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા આર્થિક સહાયનો હાથ લંબાવ્યો છે. વલીપોર ગામનો એક તેજસ્વી વિદ્યાર્થી જેણે નાની ઉંમરે જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે, તે આર્થિક સંકડામણને કારણે ઉચ્ચ શિક્ષણથી વંચિત રહે તેવી સ્થિતિમાં હતો. આ વિદ્યાર્થી કપડવંજ ખાતે પોતાના અભ્યાસને આગળ વધારવા માંગતો હતો પરંતુ ફી અને અન્ય ખર્ચની ચિંતા પરિવારને સતાવી રહી હતી.જરૂરિયાતમંદ વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ માટે ૨૫,૦૦૦નું દાન.: આ બાબતની જાણ થતા જ કડોદરા ગામના સરપંચ યોગેશભાઈ અને તેઓના સાથી મિત્ર નરણાવીના સંદીપભાઈ ગૌસ્વામી દ્વારા ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ બંને દાતાઓએ વિદ્યાર્થીની હોંશિયારી અને તેની સંઘર્ષમય સ્થિતિને ધ્યાને રાખીને તેના અભ્યાસ અર્થે રૂપિયા 25,000 ની સખાવત આપી છે. કોઈપણ તેજસ્વી સંતાન માત્ર પૈસાના અભાવે ભણતરથી વંચિત ન રહેવું જોઈએ. આ નાનકડો પ્રયાસ એ દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટેનો પાયો બની રહેશે. આર્થિક સહાય પ્રાપ્ત થતા વિદ્યાર્થીના પરિવારે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. અને સરપંચ યોગેશભાઈ તેમજ સંદીપભાઈ ગૌસ્વામીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ મદદ માત્ર એક આર્થિક સહાય નથી, પરંતુ સમાજમાં એકતા અને સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતો કિસ્સો છે. આ ઉમદા કાર્યની સમગ્ર વાગરા પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.