ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારવા અને ગ્રામીણ જનજીવનને વધુ સુવિધાજનક બનાવવાના લક્ષ્યાંક સાથે વધુ એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. આમોદ તાલુકાના તેલોદ ગામ ખાતે ૧૪૫ લાખની માતબર ખર્ચે સાકાર થનારા તેલોદ-સુથોદરા RCC રોડનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય ડિ.કે સ્વામીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન્ન થયું હતું. વર્ષોથી આ વિસ્તારના રહીશો દ્વારા પાકા રસ્તાની માંગ કરવામાં આવી રહી હતી. ખાસ કરીને ચોમાસા દરમિયાન કાચા રસ્તાઓ પર કાદવ-કીચડના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકારે RCC રોડ મંજૂર કર્યો છે. ડામર રોડની સરખામણીએ RCC રોડ વધુ ટકાઉ અને મજબૂત હોવાથી આગામી વર્ષોમાં જાળવણીનો ખર્ચ ઘટશે અને ભારે વાહનોની અવરજવર પણ સરળ બનશે.
આ રોડ માત્ર બે ગામોને જ નહીં, પરંતુ આસપાસના ખેતરોને પણ જોડતો હોવાથી સ્થાનિક ખેડૂતોને તેમનો ખેત-પેદાશ બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે. આ ઉપરાંત, અભ્યાસ અર્થે બહાર જતા વિદ્યાર્થીઓ અને આરોગ્યલક્ષી સેવાઓ માટે તાલુકા મથકે જતા દર્દીઓ માટે આ માર્ગ સમયની બચત કરનારો સાબિત થશે. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્યએ તકતી અનાવરણ કરી કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સંબોધતા જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવા અમે કટિબદ્ધ છીએ. આમોદ તાલુકાના રસ્તાઓનું નેટવર્ક મજબૂત બનાવીને અમે ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માંગીએ છીએ. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય સાથે તેલોદ અને સુથોદરા ગામના સરપંચઓ, ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લાંબા સમયની રાહ જોયા બાદ આશરે દોઢ કરોડના ખર્ચે રસ્તો બનવાની શરૂઆત થતા તેલોદ પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ આ તબક્કે ધારાસભ્ય અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023