Geo Gujarat News

વાગરા: CISF કોલોની નજીક નશામાં ધૂત નબીરાઓએ બાઈક સવારોને હવામાં ઉડાડ્યા, 10 ફૂટ દૂર ફેંકાયા! રેસ્ક્યુમાં સ્થાનિક લોકો ઉમટ્યા..

દ્રશ્ય એટલું ભયાનક કે બાઇક સવારો હવામાં ફંગોળાયા: વાગરા-ભરૂચ માર્ગ પર આવેલ CISF કોલોની પાસે આજેરાત્રે એક કમકમાટીભરી અકસ્માતની ઘટના સામે આવી છે. નશાના જોરે બેફામ બનેલા કાર ચાલકે રોડ પર જઈ રહેલા નિર્દોષ બાઇક સવાર યુવકોને કાળનો કોળિયો બનાવવાનો પ્રયાસ કર્યો હોય તેમ જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે જોનારના કાળજા કંપી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કારની ઝડપ એટલી વધારે હતી કે બાઇક સાથેની અથડામણ થતા જ બંને યુવકો જાણે હવામાં ઉડ્યા હોય તેમ 10 ફૂટ દૂર ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. ટક્કરની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, બાઇકને ટક્કર માર્યા બાદ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર ઘટના સ્થળથી અંદાજે 50 ફૂટ દૂર જઈ રોડની સાઈડમાં ખાબકી હતી. અકસ્માત બાદ તરત જ વાગરાના સ્થાનિક યુવાનો અને ત્યાંથી પસાર થતા રાહદારીઓએ માનવતા દાખવી હતી. લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકોને બચાવવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને ઇજાગ્રસ્ત બાઇક સવારોને પ્રાથમિક મદદ આપવા માટે સ્થાનિકોએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.નશાખોર નબીરાઓની લાપરવાહી, પોલીસ અને 108ની ટીમ દોડી આવી: રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલા યુવકોએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, કારમાં સવાર બંને યુવકો નશામાં પૂરેપૂરા ધૂત હતા. નશામાં હોવાને કારણે તેઓને રસ્તાનું ભાન રહ્યું ન હોતું, જેના કારણે બે નિર્દોષ યુવકો આજે હોસ્પિટલના બિછાને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઘટનાની જાણ થતાની સાથે જ 108 ઇમરજન્સી સેવા અને વાગરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બંને યુવકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.સાયખા GIDC જઈ રહેલા કામદારોને કાળમુખી કારે અડફેટે લીધા: મળેલ માહિતી મુજબ, ભોગ બનનાર બંને યુવકો દહેજથી વાગરા થઈને સાયખા GIDC ખાતે કામ અર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન ભરૂચ તરફથી વાગરા તરફ બેફામ ઝડપે આવી રહેલી સ્વિફ્ટ કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કારમાં સવાર બંને યુવકો નશાની હાલતમાં હોવાનું સામે આવતા, વાગરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંનેને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ આગળની તપાસ હાથ ધરી છે.દ્રશ્ય એટલું ભયાનક કે બાઇક સવારો હવામાં ફંગોળાયા: આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નશામાં ધૂત થઈને વાહન ચલાવતા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વાગરા પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.