આમોદ શહેરના હૃદય સમાન ધમધમતા ચાર રસ્તા વિસ્તારમાં એક અજાણ્યો શખ્સ તીક્ષ્ણ હથિયાર સાથે ધમકીજનક રીતે ફરતો હોવાની ઘટનાએ નાગરિકોમાં ભય અને અસલામતીનો માહોલ સર્જ્યો છે. જ્યાં રોજિંદા હજારો લોકો, શાળાએ જતા બાળકો અને મહિલાઓ અવર-જવર કરે છે તે જ સ્થળે ખુલ્લેઆમ શસ્ત્ર પ્રદર્શિત થતા સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા પર સીધા પ્રશ્નાર્થ ઊભા થયા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શખ્સનું વર્તન આક્રમક અને અસામાન્ય હતું. તેણે જાહેર માર્ગ પર આવતા-જતા વાહનચાલકો અને રાહદારીઓ તરફ હથિયાર વડે ઈશારા કરી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. ભયના માર્યા અનેક નાગરિકોએ પોતાનો રસ્તો બદલી નાખ્યો અને જીવ બચાવી ભાગવાની ફરજ પડી. સ્થાનિકોએ કહેવું છે કે જો આ શખ્સ અચાનક કોઈ પર હુમલો કરી દે અને કોઈ ઘાયલ થાય તો જવાબદારી કોની ? આટલા વ્યસ્ત વિસ્તારમાં આવું દૃશ્ય જોઈને લોકો સ્તબ્ધ છે.
આ ઘટનાએ તંત્રની તત્પરતા સામે ચાર સીધા સવાલ ખડા કર્યા છે. પ્રથમ, શહેરના સૌથી વ્યસ્ત જાહેર સ્થળ પર નિયમિત પોલીસ પેટ્રોલિંગ કામ કરી રહ્યું છે કે કેમ? બીજો, ચાર રસ્તા વિસ્તાર CCTV કેમેરાથી કવર હોય છે, તો શું આ શખ્સની ઓળખ માટે ફૂટેજ ખંખેરવામાં આવ્યા? ત્રીજો, આ વ્યક્તિ માનસિક અસ્વસ્થતાનો શિકાર છે કે સુનિયોજિત રીતે દહેશત ફેલાવી રહ્યો છે? જો આ કોઈ માનસિક દર્દી છે તો તેની સારવાર થવી જોઈએ ,અને ચોથો, જ્યાં સુધી તેને પકડી કાયદાના દાયરામાં ન લાવવામાં આવે ત્યાં સુધી નાગરિકોની સુરક્ષાની ખાતરી કોણ કરશે?
નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે ચાર રસ્તા અને આસપાસના તમામ CCTV ફૂટેજની તાત્કાલિક તપાસ કરી શંકાસ્પદની ઓળખ કરાય, મુખ્ય માર્ગો પર દૃશ્યમાન પેટ્રોલિંગ વધારાય અને હથિયાર સાથે દેખાતા અસામાજિક તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવાય. જો આગામી કલાકોમાં નક્કર કાર્યવાહી નહીં થાય તો નાગરિકોનો રોષ શાંત રહેશે નહીં. તંત્રએ સમજવું જોઈએ કે સુરક્ષાના મામલે ‘ઘટના બન્યા પછીની કાર્યવાહી’ કોઈપણ સંભવિત દુર્ઘટનાની ભરપાઈ નથી કરી શકતી.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023