Geo Gujarat News

વાગરા: મુલેર ગામમાં સાસુ-વહુનો હાઈવોલ્ટેજ ડ્રામા, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો, સામસામે ગંભીર આક્ષેપો!

સમાધાન કરવા ગયેલા સાસુ-દીકરા પર વહુના પરિવારનો હુમલો, છેડતી અને ધમકીની ફરિયાદ! વાગરા તાલુકાના મુલેર ગામમાં કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતા સાસુ અને વહુએ એકબીજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો આ વિવાદ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી સુધી પહોંચતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. સાસુએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત 14 મી મેના રોજ સાંજે તેમની વહુ ફોન પર તેમના દીકરાને ગાળો આપી રહી હતી. સાસુએ ગાળો બોલવાની ના પાડતા વહુએ તેમની સાથે ઝપાઝપી કરી ગળાના ભાગે નખ મારી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ વહુ પિયર ચાલી ગઈ હતી. જ્યારે સાસુ અને તેનો દીકરો સમાધાન માટે પિયર પક્ષે ગયા, ત્યારે વહુના પિતા અને માતા બંનેએ તેઓ સાથે ગાળા ગાળી કરી હતી. સાથેજ વહુના પિતાએ સાસુની છેડતી કરી હોવાનો અને ત્રણેય જણે ભેગા મળી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.સાસુ સામે વહુની વળતી ફરિયાદ, વહુએ સાસુ અને દિયર વિરુદ્ધ નોંધાવ્યો છેડતી અને હુમલાનો ગુનો! તો બીજી તરફ સામે પક્ષે વહુએ પણ સાસુ અને દિયર વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે. તેઓનો આક્ષેપ છે કે, તેમના સાસુ અવારનવાર ઝઘડા કરતા હતા. બનાવના દિવસે સાસુએ ગાળો આપતા તેઓ પોતાના પિયર જતા રહ્યા હતા. ત્યારબાદ સાસુ અને દિયર તેમના પિયર પહોંચી ગયા હતા. અને ત્યાં હોબાળો કર્યો હતો. વહુનો આક્ષેપ છે કે દિયરે તેના પિતાની ફેટ પકડી ગાળો દીધી હતી, તેમજ સાસુએ તેની સાથે ઝપાઝપી કરી બટકું ભરવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં, દિયરે તેની કુર્તી ફાડી નાખી છેડતી કરી હોવાનો અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. હાલ વાગરા પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના સભ્યો વચ્ચે થયેલા આ હિંસક વિવાદે ગ્રામ્ય વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.