કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક સનસનાટીભરી ઘટના આમોદ નગરમાં સામે આવી છે, જ્યાં પ્રેમ સંબંધની જૂની અદાવત રાખીને એક ૪૦ વર્ષીય નિર્દોષ યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આમોદ નગરના એસ.ટી. ડેપો પાસે આવેલી મહમદ શાહપીરની દરગાહ નજીક ગતરોજ બપોરના ભરચક ઉજાલામાં આ લોહિયાળ ખેલ ખેલાયો હતો.
આરોપી સાહિલ ચૌહાણ નામના શખ્સે અત્યંત ક્રૂરતાપૂર્વક ૪૦ વર્ષીય મહેબૂબ ઉર્ફે લાલા મહીડા પર છરાના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. જાહેરમાં થયેલા આ હિચકારા હુમલામાં મહેબૂબ લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો. અને ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ હિંસક કાવતરા પાછળનું કારણ મરણ જનારના કુટુંબની એક સ્ત્રી સાથે આરોપીના મોટાભાઈના પ્રેમ સંબંધની રીસ હોવાનું સામે આવ્યું છે, જેની ખાર રાખીને સાહિલે આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો હતો.હત્યા કર્યા બાદ આરોપી પોતાની બાઈક ઘટના સ્થળે જ છોડીને નાસી છૂટ્યો હતો, પરંતુ ભરૂચ એલ.સી.બી. પોલીસે સપાટો બોલાવી ગણતરીના કલાકોમાં જ રાત્રિના સમયે હત્યારાને દબોચી લીધો હતો અને આગળની કાર્યવાહી માટે આમોદ પોલીસને સોંપ્યો હતો.
આજે આમોદ પોલીસે કાયદાનો દંડો પછાડી આરોપી સાહિલ રણજિત ચૌહાણને કડક સુરક્ષા વચ્ચે ઘટના સ્થળે લાવી સમગ્ર હત્યાકાંડનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે વીડિયોગ્રાફી અને પંચનામાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી હતી, જ્યારે જાહેરમાં આતંક મચાવનાર આ હત્યારાને જોવા માટે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
પોલીસે કડક વલણ અપનાવી આરોપી પાસેથી હત્યામાં વપરાયેલું તીક્ષ્ણ હથિયાર અને તેની બાઈક પણ જપ્ત કરી લીધી છે અને નરાધમને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ ઘાતકી હત્યાકાંડને પગલે મૃતક મહેબૂબ મહીડાનો પરિવાર સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયો છે. મૃતક યુવક પરણિત હતો અને પરિવારનો મુખ્ય આધારસ્તંભ હતો. તેના અકાળે અવસાનથી પત્ની માથે આભ તૂટી પડ્યું છે અને બે માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા તેઓ નિરાધાર બન્યા છે. આજે જ્યારે પોલીસ આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લાવી ત્યારે વાતાવરણ ભારે ગમગીન અને આક્રોશપૂર્ણ બની ગયું હતું.
મૃતકના પિતા મહંમદ મહીડા અને પરિવારજનોએ કાળજું કંપાવતા આક્રંદ સાથે ન્યાયની ગુહાર લગાવી હતી. પરિવારે નરાધમ સાહિલ ચૌહાણ માટે તંત્ર પાસે ફાંસીની સજાની ઉગ્ર માંગ કરી છે. એટલું જ નહીં, આવા ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં કાયદાનો ખોફ પેસી જાય તે માટે આરોપીના ઘર પર બુલડોઝર ફેરવી દેવાની કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023