Geo Gujarat News

આમોદ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, મહેન્દ્રભાઈ દેસાઈ પ્રમુખ અને સાજીદભાઈ રાણા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા..

આમોદ નગરપાલિકા ખાતે આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી ભારે ઉત્સાહ અને ચુસ્ત સુરક્ષા વચ્ચે સંપન્ન થઈ હતી. નગરપાલિકાના સભાખંડમાં ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ પ્રક્રિયામાં પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે સાજીદભાઈ રાણાની સત્તાવાર રીતે વરણી કરવામાં આવી છે. તેમજ કારોબારી અધ્યક્ષ તરીકે ઉમેશભાઈ પંડ્યાની વરણી કરાઈ છે. આ નવી વરણીને પગલે નગરપાલિકાના સભ્યો અને સ્થાનિક કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજની આ રોમાંચક ચૂંટણી પ્રક્રિયામાં પક્ષીય ગણિતની વાત કરીએ તો, આમોદ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના કુલ ૧૬ સભ્યોમાંથી ૧૫ સભ્યો હાજર રહ્યા હતા અને તેમણે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જ્યારે ભારતીય જનતા પાર્ટીના કુલ ૮ સભ્યોમાંથી ૭ સભ્યો હાજર રહીને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી હતી.ચૂંટણી દરમિયાન બંને પક્ષમાંથી એક-એક સભ્ય ગેરહાજર રહ્યા હતા. જેમાં કોંગ્રેસના સભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ પટેલ ધાર્મિક યાત્રાએ ગયા હોવાના કારણે ઉપસ્થિત રહી શક્યા નહોતા. બીજી તરફ, ભાજપના મહિલા સભ્ય દક્ષાબેન ચંદ્રકાન્ત પટેલ પણ વ્યક્તિગત કારણોસર ગેરહાજર રહ્યા હતા. આ ગરિમાપૂર્ણ પ્રસંગે આમોદ નગરપાલિકાના કોંગ્રેસ અને ભાજપના તમામ ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકાના મુખ્ય અધિકારી, ચૂંટણી અધિકારી તેમજ આમોદ શહેરના નાગરિકો મોટી સંખ્યામાં પાલિકા કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. નવી ચૂંટાયેલી પાંખને ઉપસ્થિત જનમેદનીએ ફૂલહાર પહેરાવીને આવકારી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોઈ પણ અનિચ્છનીય બનાવ વિના સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ સુમેળભર્યા વાતાવરણમાં પૂર્ણ થઈ હતી.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.