Geo Gujarat News

વાગરા: ઇ-ફાર્મસીના આક્રમણ સામે કેમિસ્ટો રણમેદાને, મેડિકલ સ્ટોર્સના સજ્જડ બંધથી દર્દીઓ મુશ્કેલીમાં!

વાગરામાં મેડિકલ સ્ટોર્સના તાળાબંધીથી દર્દીઓ અટવાયા: ઓનલાઈન ફાર્મસી કંપનીઓની મનસ્વી નીતિઓ અને દવાઓ પર અપાતા બેફામ ડિસ્કાઉન્ટ સામે હવે સ્થાનિક કેમિસ્ટોએ આરપારની લડાઈ શરૂ કરી દીધી છે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી બંધના આહવાનને પગલે ભરૂચ જિલ્લા સહિત વાગરા પંથકમાં મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ ૨૪ કલાકની સંપૂર્ણ હડતાળ પાળી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ બંધને કારણે વાગરા વિસ્તારના તમામ નાના-મોટા મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ રહ્યા હતા, જેને કારણે વહેલી સવારથી જ દવાઓ ખરીદવા નીકળેલા સામાન્ય નાગરિકો અને દર્દીઓના સગા-સંબંધીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ઓનલાઈન ફાર્મસીના કાયદા સામે કેમિસ્ટો આકરા પાણીએ: સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, કોઈપણ મજબૂત સરકારી નિયંત્રણો વગર ચાલી રહેલી ઈ-ફાર્મસીઓ પરંપરાગત મેડિકલ સ્ટોર્સના અસ્તિત્વને મિટાવી રહી છે. કોર્પોરેટ કંપનીઓ દ્વારા આપવામાં આવતી મસમોટી છૂટછાટોને લીધે નાના અને મધ્યમ વર્ગના દવા વિક્રેતાઓ માટે બજારમાં ટકી રહેવું અશક્ય બનતું જાય છે. આ આર્થિક નુકસાન ઉપરાંત, કેમિસ્ટોએ એક મોટી ચિંતા એ પણ વ્યક્ત કરી છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર ગુણવત્તાની ચકાસણી વગર નકલી, એક્સપાયરી ડેટ વાળી કે બિનપ્રમાણિત દવાઓનું વેચાણ ધમધમી રહ્યું છે, જે સીધી રીતે આમ જનતાના સ્વાસ્થ્ય સાથેના ગંભીર ચેડાં સમાન છે. આ જોખમી વલણને રોકવા માટે કેમિસ્ટ એસોસિએશને સરકાર સમક્ષ ઓનલાઇન દવાના વેપાર પર કડક કાયદાકીય અંકુશ લાવવાની અને દેખરેખ તંત્રને મજબૂત કરવાની તીવ્ર માંગ કરી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.