ઔદ્યોગિક વિકાસના નામે સ્થાનિકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણના ભોગે ખેલાઈ રહેલો મોતનો આ ખેલ હવે હદ વટાવી ચૂક્યો છે. વાગરા તાલુકાના કોઠીયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા વરસાદી કાંસમાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડાયું હોવાની અત્યંત આઘાતજનક અને ચિંતાજનક ઘટના સામે આવી છે. સાયખા GIDCના કેટલાક બેફામ અને નફ્ફટ ઉદ્યોગકારોની પાપે આજે આખો વિસ્તાર પ્રદૂષણના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે. વરસાદી પાણીના નિકાલ માટે બનેલી કાંસમાં કોઈ નિર્દિષ્ટ કંપની દ્વારા લાઈન વાટે અથવા તો રાતના અંધારાનો લાભ લઈને કોઈ ટેન્કર મારફતે આ ઝેરી કેમિકલ ઠાલવી દેવામાં આવ્યું હોવાની પ્રબળ આશંકા છે. આ આખી ઘટના સ્થાનિક તંત્ર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઘોર નિષ્ક્રિયતા અને મિલીભગતની ચાડી ખાય છે.
કાંસમાં અંદાજીત ૫૦૦ મીટર કરતાં પણ વધુ અંતર સુધી આ લાલ-પીળું કલરયુક્ત કેમિકલવાળું પાણી ખુલ્લેઆમ ફરી વળ્યું છે, જેમાંથી અસહ્ય દુર્ગંધ મારી રહી છે. આ કોઈ સામાન્ય પ્રદૂષણ નથી, પણ માનવતા અને પર્યાવરણ વિરુદ્ધનો ગુનો છે. આ માર્ગ પરથી રોજ સેંકડો ગ્રામજનો અને અબોલ પશુઓ પસાર થાય છે. સવાલ એ ઊભો થાય છે કે જો કોઈ અબોલ પશુ આ ઝેરી પાણી પી લેશે અને તેનું મોત નીપજશે, તો તેનો ગુનેગાર કોણ? જો આ કેમિકલ આજુબાજુના ખેતરોમાં પ્રવેશીને જમીન અને પાકને બરબાદ કરશે, તો એ નુકસાની કોણ ભોગવશે?
સ્થાનિક ગ્રામજનોમાં હાલ ભારે રોષ અને ભયનો માહોલ છે. જનતાનો આક્રોશપૂર્વક એક જ સવાલ છે કે, જો આ બેદરકારીના કારણે કોઈ મોટી હોનારત સર્જાશે તો શું તંત્ર જાગશે? શું કોઈ નિર્દોષનો જીવ ગયા પછી જ કાગળ પર દોડતું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કુંભકર્ણની નિદ્રામાંથી જાગશે? માત્ર કાગળ પર નિયમોના નાટક કરતા તંત્રએ હવે એસી ચેમ્બરોમાંથી બહાર નીકળીને આ ગુનેગાર કંપનીઓ સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરવો જ પડશે. જો તાત્કાલિક ધોરણે આ કેમિકલ માફિયાઓ સામે કડક કાયદાકીય પગલાં ભરીને કંપનીઓને સીલ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સ્થાનિક ગ્રામજનો ઉગ્ર આંદોલન છેડે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com