Geo Gujarat News

વાગરા: સાયખા GIDC માં પ્રદૂષણ માફિયાઓ બેફામ, ફાર્મસન કંપનીના પીળા ધુમાડાથી જનતા ત્રાહિમામ, તંત્રની ગુનાહિત નિષ્ક્રિયતા સામે ભભૂકતો રોષ!

ઔદ્યોગિક હબ ગણાતા વાગરાના સાયખા GIDC વિસ્તારમાંથી સ્થાનિક રહીશોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જય કેમિકલ ચોકડી નજીક આવેલી જાણીતી ફાર્મસન કંપની દ્વારા ધોળા દિવસે જ ખુલ્લેઆમ હવામાં ઝેરી અને ભયજનક પીળા કલરના ધુમાડા છોડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ દ્રશ્યો જોઈને આસપાસના રહીશો અને રાહદારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. હવામાં બેરોકટોક છોડાઈ રહેલા આ કેમિકલયુક્ત ધુમાડાને કારણે સ્થાનિક જનતા શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી ગંભીર સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. માત્ર ફાર્મસન જ નહીં, પરંતુ સાયખા,વિલાયત અને દહેજ પંથકના અનેક બેલગામ ઉદ્યોગકારો માનવ જિંદગીના ભોગે પોતાની તિજોરીઓ ભરવા માટે પર્યાવરણના નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવી રહ્યા છે.સૌથી મોટો અને સળગતો સવાલ એ છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર આ ગંભીર ગુના પ્રત્યે આંખ આડા કાન કેમ કરી રહ્યું છે? તંત્રની ઘોર બેદરકારી અને ઢીલી નીતિના કારણે જ આજે આ પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે. જ્યારે પણ આવી કોઈ ઘટના બને છે ત્યારે તંત્ર માત્ર કાગળ પર નોટિસ ફટકારીને સંતોષ માની લે છે, જેના કારણે કંપનીના માલિકોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. જનતા હવે આક્રોશપૂર્વક પૂછી રહી છે કે, શું તંત્ર કોઈ મોટી હોનારત કે લોકોના મોતના તાંડવની રાહ જોઈને બેઠું છે? આ ઝેરી પીળા ધુમાડા છોડતી કંપનીઓ સામે માત્ર દંડનીય નહીં, પરંતુ કાયદાકીય રીતે ફોજદારી ગુનો નોંધીને તાત્કાલિક અસરથી કંપની સીલ કરવા જેવી કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? પ્રદૂષણ ફેલાવતા આવા તત્વો સામે જો હવે યુદ્ધના ધોરણે પગલાં નહીં લેવાય, તો સ્થાનિક પ્રજા ઉગ્ર આંદોલનનું શસ્ત્ર ઉગામશે તેમાં કોઈ શંકા નથી.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.