વાગરાના અસમાં પાર્ક-3 વિસ્તારમાંથી ચોરીની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પરિવાર બહારગામ ગયો હોવાની તકનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ પર હાથ સાફ કર્યો હતો. મળતી માહિતી મુજબ અસમાં પાર્ક-3 વિસ્તારમાં રહેતા રસુલભાઈ ચાવડાનું મકાન બંધ હતું. દરમિયાન રાત્રીના સમયે તસ્કરો ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા. અને ઘરમાં તોડફોડ મચાવી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ ઘરમાંથી અંદાજિત 50 હજાર જેટલી રોકડ રકમ ચોરી ફરાર થઈ ગયા હતા.
સવારે પાડોશીઓએ મકાનનો દરવાજો તૂટેલો જોઈ શંકા વ્યક્ત કરી મકાન માલિકને જાણ કરી હતી. જાણ થતાં જ રસુલભાઈ ચાવડા તાત્કાલિક વાગરા દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. અને સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. મકાન માલિક રસુલભાઈ ચાવડાના જણાવ્યા અનુસાર ઘરમાં રાખેલી આશરે 50 હજાર રૂપિયાની રોકડ રકમ ચોરાઈ ગઈ છે. જોકે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે બાબતે અત્યાર સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી હતી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com