દહેજથી આમોદ વચ્ચે આશરે ૩૦૦ કરોડના ખર્ચે બની રહેલા ફોરલેન રોડ પ્રોજેક્ટ અંતર્ગત આછોદ ગામ નજીક મોટા પુલ પાસે નવા બ્રિજની કામગીરી ચાલી રહી હતી. જોકે, આ બ્રિજના પિલર નીચેથી જ આછોદ ગામને પીવાનું મીઠું પાણી પૂરું પાડતી મુખ્ય લાઇન પસાર થતી હતી. બ્રિજના બાંધકામને કારણે આ લાઇનમાં વારંવાર ભંગાણ અને પંચર પડવાની સમસ્યા સર્જાઈ હતી.
ભરઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીનો ફોર્સ ઓછો થઈ જતાં ગામના આશરે ૧૦ હજાર લોકોને પીવાના પાણી માટે ફાંફા મારવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત, પાણીની લાઇન બ્રિજના પિલર નીચે હોવાથી ભવિષ્યમાં બ્રિજના માળખાને પણ નુકસાન થવાની સંભાવના હતી. આ ગંભીર સમસ્યા અંગે ગ્રામજનોએ અગાઉ લેખિત રજૂઆતો કરી હોવા છતાં, માર્ગ-મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ વચ્ચેના સંકલનના અભાવે અધિકારીઓ માત્ર લાઇન રિપેર કરીને સંતોષ માનતા હતા.
ચોમાસાને ગણતરીના દિવસો જ બાકી હોવાથી અને તંત્રની ઉદાસીનતાથી કંટળીને આછોદ ગામના લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આછોદ તાલુકા પંચાયતના સદસ્ય અને વિકાસ મંડળના પ્રમુખ ઇકબાલભાઈ પટેલની આગેવાનીમાં ગ્રામજનોએ જ્યાં સુધી નવી પાણીની લાઇન શિફ્ટ કરવામાં નહીં આવે, ત્યાં સુધી બ્રિજનું કામ કરવા દેવાશે નહીં તેવી મક્કમ માંગ સાથે છેલ્લા પાંચ દિવસથી બ્રિજની કામગીરી સંપૂર્ણપણે અટકાવી દઈ બંધનું એલાન આપ્યું હતું. ગ્રામજનોના આ આક્રોશને પગલે સરકારી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
ગ્રામજનોના આ આંદોલન અને મીડિયામાં આવેલા અહેવાલો બાદ આખરે તંત્રને નમવું પડ્યું છે અને આ વિવાદનો સુખદ અંત આવ્યો છે. આજે પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારી પ્રશાંતભાઈ, માર્ગ અને મકાન વિભાગના અધિકારી સંદીપભાઈ તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટરોએ રૂબરૂ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ સ્થાનિક આગેવાનો સાથે સકારાત્મક ચર્ચા કરી છે અને આગામી એક કલાકમાં પાણીની લાઇન શિફ્ટ કરવા માટેનો સત્તાવાર મંજૂરી પત્ર આપવાની ખાતરી આપી છે.
આ સત્તાવાર મંજૂરી મળ્યા બાદ આગામી ૪ થી ૫ દિવસમાં નવી લાઇન નાખવાની સાથે બ્રિજનું બાંધકામ પણ વિધિવત રીતે ફરી શરૂ કરી દેવામાં આવશે. આ સફળતા બદલ તાલુકા પંચાયત સદસ્ય ઇકબાલભાઈ પટેલે ગામ વતી મીડિયાના મિત્રોનો આભાર માન્યો હતો, જેમણે ગ્રામજનોનો અવાજ બુલંદ કર્યો હતો. આ સાથે જ તેમણે ઇદ્રીશ સરપંચ, હારુનભાઈ અને એકતા બતાવી સહકાર આપનાર તમામ ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. લાઇન બદલવાનો નિર્ણય લેવાતા આછોદ ગામના ૧૦ હજાર લોકોને ઉનાળા અને આગામી ચોમાસામાં પાણીની હાલાકીમાંથી કાયમી મુક્તિ મળશે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023