વાગરા તાલુકાના દહેજ સ્થિત અદાણી કંપની ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભીની પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાજીવ ગાંધીજીના દેશ પ્રત્યેના યોગદાન, યુવાનો માટેના તેમના દ્રષ્ટિકોણ અને આધુનિક ભારતના નિર્માણમાં આપેલા મહત્વપૂર્ણ ફાળાને યાદ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલે રાજીવ ગાંધીજીના જીવનચરિત્ર અને તેમના રાજકીય કારકિર્દી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજીવ ગાંધીજીએ દેશને ટેકનોલોજી, સંચાર અને વિકાસના નવા માર્ગ પર આગળ ધપાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો હતો, જેના કારણે આજે ભારત વિશ્વસ્તરે નવી ઓળખ બનાવી શક્યું છે. કાર્યક્રમમાં સ્થાનિક કોંગ્રેસ આગેવાનો, કાર્યકર્તાઓ અને સમાજના વિવિધ વર્ગોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધા અને ગૌરવનું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું હતું.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com