ભરૂચ જિલ્લાના નબીપુર ગામે ખેડૂતોમાં વૈજ્ઞાનિક ખેતી અને જમીન સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા એક વિશેષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તારીખ 16 મે 2026થી 15 જૂન 2026 સુધી ચાલનારા આ એક માસીય અભિયાન હેઠળ રાસાયણિક ખાતરોના સંતુલિત અને સંકલિત ઉપયોગ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. “સમતુલ ઉપયોગ – સ્વસ્થ જમીન – સમૃદ્ધ પાક – સમૃદ્ધ ખેડૂત”ના સૂત્ર સાથે શરૂ કરાયેલા આ અભિયાનનો મુખ્ય હેતુ જમીનની ઉર્વરતા જાળવી રાખી પાક ઉત્પાદન વધારવાનો અને ખેડૂતોને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવાનો છે.
ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને યુરિયા, DAP અને MOP જેવા રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ ટાળવા તેમજ જમીનની જરૂરિયાત અને માટી પરીક્ષણના આધારે જ ખાતર આપવાની અપીલ કરવામાં આવી છે. અભિયાન દરમિયાન બેનરો અને માર્ગદર્શન કાર્યક્રમો મારફતે ખેડૂતોને છોડના વિકાસ માટે જરૂરી મુખ્ય પોષક તત્વો અંગે પણ સમજ આપવામાં આવી રહી છે. સાથે જ સંકલિત પોષણ વ્યવસ્થાપન, સજીવ ખાતરોના ઉપયોગ અને જમીન સ્વાસ્થ્ય જાળવવાના મહત્વ અંગે માહિતી અપાઈ રહી છે.
નબીપુર ગામના ખેડૂતો અને અગ્રણીઓએ ખેતીવાડી વિભાગના આ પ્રયાસને આવકાર્યો હતો અને વધુમાં વધુ ખેડૂતો આ જાગૃતિ અભિયાનનો લાભ લે તેવી અપીલ કરી હતી. ખેડૂતોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવી જમીનની તંદુરસ્તી જાળવવા માટે આ અભિયાન મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com