ભરૂચ જિલ્લામાં યુવાનોને નશાના કાળા ચંગુલમાંથી બચાવવા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન અંતર્ગત SOG પોલીસે દહેજ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દહેજના માખણીયાવાડ વિસ્તારમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખી યુવાનોના ભવિષ્ય સાથે ખેલ કરનાર તત્વો સામે પોલીસે કડક વલણ અપનાવતા એક આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. SOG ના પી.આઈ એ.વી. પાણમિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન દહેજના માખણીયાવાડ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન મનહર રામસંગ ગોહિલના રહેણાંક મકાનમાંથી આશરે 787 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ગાંજાના જથ્થા સાથે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 50 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દ્વારા વિસ્તારમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખી નશાનો કારોબાર ચલાવાતો હોવાની આશંકા છે. યુવાનોને નશાની લત તરફ ધકેલતા આવા તત્વો સામે હવે પોલીસ દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરફેર સામે સ્થાનિકોમાં પણ ચિંતા ફેલાઈ છે. આ કેસમાં સંડોવણી બહાર આવતા દિપક ભીમસંગ અને મીનાબેન દિપકભાઈ રહે. દહેજને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. SOG ટીમ દ્વારા સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાતા નશાના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com