ભરૂચ પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ સ્ટેશનની ટીમે એક પ્રશંસનીય કામગીરી કરીને છેલ્લા ૩૨ વર્ષથી કાયદાના હાથથી બચીને નાસતા ફરતા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષકની સૂચનાથી નાસતા-ફરતા ગુનેગારોને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત વાગરા પોલીસ સક્રિય ભૂમિકા ભજવી રહી હતી, જે દરમિયાન આ મહત્વની સફળતા હાથ લાગી છે. વાગરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. કરમટીયા અને તેમની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વર્ષ ૧૯૯૪માં અંકલેશ્વર શહેર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધાડ અને લૂંટના ગંભીર ગુના (IPC ૩૯૫, ૩૯૭ તેમજ બી.પી. એક્ટ ૧૩૫)માં સામેલ લિસ્ટેડ આરોપી મનસૂ ઉર્ફે મનસુખ જોખા ઉર્ફે દિત્યા પારગી ઉત્તરપ્રદેશનો હાલ અંકલેશ્વર બસ સ્ટેન્ડ પાસે ઊભો છે.
આ ચોક્કસ માહિતીના આધારે વાગરા પોલીસની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તાત્કાલિક વોચ ગોઠવીને આરોપીને તે જ સ્થળેથી કોર્ડન કરી ઝડપી લીધો હતો. પકડાયેલો આરોપી મૂળ મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા તાલુકાના બાલવાસા (કાકણવાડી) ગામનો રહેવાસી છે. અને તે છેલ્લા ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો. આ સફળ ઓપરેશન પાર પાડવામાં વાગરા પોલીસ મથકના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ, વિપુલભાઈ મનુભાઈ અને જગદીશભાઈ ભૂપતભાઈએ પ્રશંસનીય અને ચપળતાપૂર્વકની કામગીરી કરી હતી. હાલમાં વાગરા પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને અંકલેશ્વર શહેર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com