Skip to main content

Geo Gujarat News

વાગરા: સાયખા GIDC માં ઝેરી ખેલનો પર્દાફાશ! પ્લોટ નં.50 માં કેમિકલ વેસ્ટનો કાળો કારોબાર? તંત્રની ભૂમિકા સામે સવાલો!

ટેન્કર મારફતે કેમિકલ વેસ્ટ ઠાલવાતું હોવાની ચર્ચાએ મચાવી ચકચાર: વાગરા તાલુકાની સાયખા GIDC માં પ્રદૂષણ માફિયાઓ ફરી એકવાર બેફામ બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. MR ચોકડીથી થોડે જ અંતરે આવેલ વેરિટી કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડની બાજુમાં આવેલા પ્લોટ નં.50 માં મોટા પાયે કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યું હોવાના દ્રશ્યો સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ખુલ્લા પ્લોટમાં ઝેરી રસાયણોનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આશંકાએ સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, જે પ્લોટ લાંબા સમયથી ખાલી પડ્યો હતો તેમાં તાજેતરમાં જ માટીનું પુરાણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે તે જ જગ્યાએ ઉપરથી કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પ્લોટના પાછળના ભાગમાં તો જાણે ઝેરી કેમિકલનું તળાવ ઉભું થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જમીન પર ફેલાયેલું કેમિકલ અને તેની દુર્ગંધને લઈને સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે.ગાંધીછાપ અધિકારીઓની આંખ આડા કાન? સાયખા GIDC માં કેમિકલ માફિયાઓનો બેફામ આતંક?: ચર્ચા એવી પણ છે કે રાત્રીના અંધકારનો લાભ ઉઠાવી કેટલાક બેફામ કેમિકલ માફિયાઓ ટેન્કર મારફતે અહીં ઝેરી વેસ્ટ ખાલી કરી રહ્યા છે. સ્થળ પર એક ઊંડો ખાડો પણ ખોદવામાં આવ્યો હોવાનું સામે આવતા અનેક શંકાઓ ઊભી થઈ છે. શું જમીનની અંદર કેમિકલ સગેવગે કરવાનો કોઈ મોટો ખેલ ચાલી રહ્યો છે? શું પર્યાવરણ અને માનવજીવન સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે? તે હવે તપાસનો વિષય બન્યો છે. આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ તંત્રની કામગીરી સામે ઊભો થયો છે. સાયખા GIDC જેવી સંવેદનશીલ ઔદ્યોગિક વસાહતમાં આવી બેફામ પ્રવૃત્તિઓ ચાલી રહી હોવા છતાં સંબંધિત વિભાગોને તેની જાણ નથી? શું GPCB ના અધિકારીઓ માત્ર કાગળ પર જ પેટ્રોલિંગ બતાવી રહ્યા છે? કે પછી પ્રદૂષણ માફિયાઓ સામે કોઈ કાર્યવાહી ન કરવાની મૌન મંજૂરી આપવામાં આવી છે? તેવી ચર્ચાઓ ઉગ્ર બની રહી છે. સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો સમયસર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં જમીન, પાણી અને હવાના પ્રદૂષણથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. હવે જોવાનું રહ્યું કે GPCB, GIDC તંત્ર અને જિલ્લા પ્રશાસન આ મામલે ખરેખર કોઈ કડક પગલાં ભરે છે કે પછી હંમેશની જેમ આખો મામલો ફાઈલોમાં જ દટાઈ જશે.GIDC પંપિંગ સ્ટેશન બહાર જ ઝેરી કેમિકલનો ખડકલો, તંત્રની નિષ્ક્રિયતા ખુલ્લી પડી!  નોંધનીય બાબત એ છે કે આ જ પ્લોટની બહાર GIDC નું PS-S4/1 પંપિંગ સ્ટેશન આવેલું છે, છતાં તેની આસપાસ જ ખુલ્લેઆમ કેમિકલનો ખડકલો જોવા મળતા સમગ્ર તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે પંપિંગ સ્ટેશનના પણ હાલ ખસતા જોવા મળી રહ્યા છે, છતાં કોઈ અધિકારીને આ ગંભીર જોખમ દેખાતું નથી. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો પંપિંગ સ્ટેશનની બાજુમાં જ આ રીતે ઝેરી વેસ્ટના ઢગલા ઉભા થઈ રહ્યા હોય તો સામાન્ય વિસ્તારોની સ્થિતિ કેટલી ભયાનક હશે? શું GIDC અને GPCB ના અધિકારીઓ માત્ર ઓફિસમાં બેઠા બેઠા કાગળો પર જ નિરીક્ષણ પૂર્ણ બતાવી રહ્યા છે? શું રાત્રીના સમયે ટેન્કરો મારફતે થતો આ ઝેરી ખેલ કોઈની મૌન સહમતી વગર શક્ય છે? આવા અનેક સવાલો હવે લોકોના મનમાં ઉઠી રહ્યા છે.કેમિકલ વેસ્ટનો કાળો કારોબાર કે તંત્રની મૌન મંજૂરી? સાયખા GIDC માં છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણ અને કેમિકલ વેસ્ટના મુદ્દાઓ વારંવાર સામે આવી રહ્યા છે, છતાં કડક કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે પ્રદૂષણ માફિયાઓના હૌસલા દિવસેને દિવસે વધી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ખુલ્લેઆમ પર્યાવરણ, જમીન અને ભૂગર્ભ જળ સાથે થઈ રહેલા આ ખતરનાક ચેડાં સામે હવે જો તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં ગંભીર પર્યાવરણ સંકટ ઊભું થઈ શકે છે. હવે લોકોની નજર GPCB, GIDC તંત્ર અને જિલ્લા પ્રશાસન પર ટકેલી છે કે તેઓ આ મામલે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરશે કે પછી ખરેખર જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી પ્રદૂષણ માફિયાઓના ગોરખધંધા પર લગામ લગાવશે.સાયખા GIDC માં ઝેરી સામ્રાજ્ય બેફામ! મુખ્ય માર્ગોની બાજુમાં કેમિકલના તળાવો છતાં તંત્ર આંખ આડા કાન? વાગરા તાલુકાની સાયખા GIDC હવે ઔદ્યોગિક વિસ્તાર કરતાં વધુ ઝેરી કચરાના ડમ્પિંગ યાર્ડમાં ફેરવાઈ રહી હોય તેવી ભયજનક પરિસ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં પ્લોટ નં.50 માં ખુલ્લેઆમ કેમિકલ વેસ્ટ ઠાલવાયાનો મામલો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ રીતે ગેરકાયદેસર કેમિકલ નિકાલ થતો હોવાના પુરાવા નજરે પડી રહ્યા છે. સ્થળ પર ફેલાયેલું ઝેરી કેમિકલ, ખોદવામાં આવેલા ખાડાઓ અને પાછળના ભાગે ભરાયેલા કેમિકલના તળાવો સમગ્ર ઘટનાની ગંભીરતા દર્શાવી રહ્યા છે. પરંતુ સૌથી મોટો અને ચોંકાવનારો મુદ્દો એ છે કે માત્ર એક જ પ્લોટ નહીં, સાયખા GIDC ના અનેક વિસ્તારોમાં જ્યાં નજર કરો ત્યાં કેમિકલના તળાવો ભરાયેલા જોવા મળી રહ્યા છે. મુખ્ય માર્ગોની બાજુમાં જ ઝેરી પ્રવાહી ખુલ્લેઆમ એકઠું થઈ રહ્યું છે, છતાં જવાબદાર તંત્રને જાણે કંઈ દેખાતું જ નથી! લોકોમાં હવે ખુલ્લેઆમ ચર્ચા ચાલી રહી છે કે શું ગાંધીછાપ અધિકારીઓએ આંખો પર પટ્ટી બાંધી દીધી છે? કે પછી આ આખા ઝેરી ખેલ સામે જાણે મૌન સમર્થન આપવામાં આવી રહ્યું છે?સાયખા GIDC માં પર્યાવરણ સાથે ખુલ્લેઆમ ચેડાં! પ્રદૂષણ માફિયાઓ સામે કાર્યવાહી ક્યારે? સ્થળની પરિસ્થિતિ જોઈને સ્પષ્ટ લાગે છે કે પ્રદૂષણ માફિયાઓ હવે સંપૂર્ણ બેફામ બની ગયા છે. રાત્રીના અંધકારમાં ટેન્કરો મારફતે ઝેરી કેમિકલ ઠાલવાઈ રહ્યું છે. અને પર્યાવરણના કાયદાઓની ખુલ્લેઆમ ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે. પરંતુ GPCB, GIDC અને સંબંધિત વિભાગો માત્ર કાગળ પરની કાર્યવાહી અને દેખાવ પૂરતા નિરીક્ષણોમાં જ વ્યસ્ત હોવાનું જણાઈ રહ્યું છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોનું કહેવું છે કે જો મુખ્ય માર્ગોની બાજુમાં જ કેમિકલના તળાવો ઉભા થઈ ગયા હોય અને છતાં કોઈ કાર્યવાહી ન થતી હોય, તો અંદરના વિસ્તારોમાં શું હાલત હશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી. ઝેરી કેમિકલના કારણે જમીન, હવા અને ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યા હોવાની ભીતિ વચ્ચે લોકોના આરોગ્ય પર પણ ગંભીર જોખમ ઊભું થયું છે. હવે સવાલ એ છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના કે જનઆક્રોશની રાહ જોઈ રહ્યું છે? શું પ્રદૂષણ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની હિંમત તંત્ર બતાવશે? કે પછી હંમેશની જેમ આખો મામલો ફાઈલો અને મીટીંગોમાં જ દબાઈ જશે? સાયખા GIDC ની હાલની પરિસ્થિતિ તંત્રની નિષ્ક્રિયતા અને પ્રદૂષણ માફિયાઓની બેફામ હિંમતનું જીવતું ઉદાહરણ બની રહી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!