વાગરા તાલુકાની દહેજ GIDC વિસ્તારમાં આવેલી કેમલિન સેઝ-2 કંપનીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાતા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ થતાં આસપાસના ઉદ્યોગો તેમજ સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં લાગી ગઈ હતી. આગના કારણે કંપની પરિસરમાં ભારે દહેશત જોવા મળી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, હાલ સુધી કોઈ જાનહાનિ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જોકે આગના કારણે કંપનીને મોટા પાયે નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દહેજ GIDC વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓ વારંવાર બનતી હોવાના કારણે ઉદ્યોગોમાં સલામતી વ્યવસ્થાઓ અને ફાયર સેફ્ટીના અમલ અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોમાં પણ આવા બનાવો અટકાવવા માટે કડક સુરક્ષા પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.
આ અંગે વાગરા ડેપ્યુટી મામલતદાર તેમજ લુવારા ગામના તલાટી સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળ્યું હતું કે ગત રાત્રે અંદાજે 11:30 થી 12:00 વાગ્યાની વચ્ચે આગની ઘટના બની હતી. આગની જાણ થતાં આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને આશરે પોણા કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. કંપનીના એચ.આર. વિભાગના જનરલ મેનેજર રાજેશભાઈએ પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે ઓઇલ હિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જે રાહતની બાબત ગણાઈ રહી છે. પરંતુ આગના કારણે કંપનીને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ આગ લાગવાના ચોક્કસ કારણો અને નુકસાન અંગે વધુ વિગતો સામે આવશે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com