વાગરા તાલુકાની સાયખા GIDC વિસ્તારમાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાના દાવાઓ વચ્ચે કંસાઈ પેઇન્ટ નેરોલેક કંપની નજીક ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. કંપનીના મેઈન ગેટથી લઈને મટીરીયલ ગેટ સુધી અંદાજે 250 મીટરના વિસ્તારમાં મુખ્ય માર્ગની બંને બાજુ ભારદારી ટ્રક અને ટોટિંગ વાહનોનું 24 કલાક આડેધડ પાર્કિંગ જોવા મળી રહ્યું છે. જેના કારણે માર્ગ સંકોચાઈ જતાં સામાન્ય વાહનચાલકો, કર્મચારીઓ તેમજ ઉદ્યોગ એકમોમાં અવરજવર કરતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. માર્ગની બંને તરફ મોટા વાહનો ઉભા રહેતાં આખો રસ્તો જાણે વન-વેમાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સામસામે આવતા બે વાહનો સરળતાથી પસાર થઈ શકે તેવી જગ્યા પણ રહેતી નથી. પરિણામે અકસ્માતનું જોખમ સતત મંડરાઈ રહ્યું છે. કોઈ ઇમરજન્સી સર્જાય તો ફાયર બ્રિગેડ અથવા એમ્બ્યુલન્સ જેવા વાહનોને પણ મુશ્કેલી પડી શકે તેવી સ્થિતિ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ વાહનો નેરોલેક કંપનીના છે કે અન્ય કોઈ ઉદ્યોગોના છે. તે તપાસનો વિષય છે. પરંતુ હકીકત એ છે કે સૌથી વધુ વાહનોનો જમાવડો નેરોલેક કંપનીની આસપાસ જ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે લોડિંગ-અનલોડિંગ માટે આવતા આવા ભારદારી વાહનોને નિયમિત અને સુરક્ષિત રીતે પાર્ક કરાવવાની જવાબદારી આખરે કોની છે? કંપની તંત્ર, GIDC સત્તાધીશો કે પછી ટ્રાફિક વિભાગ? કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી તેવી સ્થિતિ દેખાઈ રહી છે. ઉદ્યોગ વિસ્તારના માર્ગોને પાર્કિંગ ઝોનમાં ફેરવી દેવાની આ બેદરકારી સામે સ્થાનિક ઉદ્યોગકારો, કર્મચારીઓ અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો તાત્કાલિક અસરથી આડેધડ પાર્કિંગ દૂર કરી કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય બાદ જવાબદારી નક્કી કરવાની નોબત આવશે. ત્યારે સવાલ એ છે કે તંત્ર કોઈ અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે કે પછી સમયસર કાર્યવાહી કરશે?

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com