આમોદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણ પૂરું થયા બાદ આજે આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં સત્તાના સિંહાસન પર કોણ બિરાજશે તે નક્કી થઈ ગયું. તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સચિન શાહની ઉપસ્થિતિમાં યોજાયેલી આ વરણી પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો કેસરિયો પરચમ લહેરાવી દીધો. ભાજપના ઉમેદવારોએ 12-3ના જંગી બહુમતથી વિજય મેળવી આમોદ તાલુકા પંચાયતમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો હોવાનું સાબિત કરી દીધું. બીજી તરફ કોંગ્રેસ માત્ર ત્રણ મત સુધી સીમિત રહી જતા પંચાયતમાં વિપક્ષની સ્થિતિ નબળી દેખાઈ આવી.
આજની મતદાન પ્રક્રિયામાં 16માંથી 15 સભ્યોએ ભાગ લીધો હતો. પ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવાર રાજદીપસિંહ ડાયમાને 12 મત મળ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે વિજયભાઈ સનમુખભાઈ પાટણવાડિયાને પણ 12 મત મળ્યા હતા. કોંગ્રેસના બંને ઉમેદવારોને માત્ર 3-3 મતથી સંતોષ માનવો પડ્યો હતો. એક અપક્ષ સભ્યએ તટસ્થ રહેવાનું પસંદ કર્યું હતું. કારોબારી ચેરમેન તરીકે કાજલબેન સચિનભાઈ પટેલની સર્વાનુમતે નિમણૂક થતા ભાજપે સંગઠનાત્મક એકતાનો પણ સંદેશ આપ્યો હતો.
વિજેતા ઉમેદવારોની જાહેરાત થતાં જ તાલુકા પંચાયત પરિસર જાણે વિજયોત્સવમાં ફેરવાઈ ગયું હતું. કાર્યકરોએ ફટાકડા ફોડી, ડીજેના તાલે ગરબા રમી અને એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ખુશી વ્યક્ત કરી હતી. સમગ્ર વિસ્તાર ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, ભરુચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશ મોદી, મહામંત્રી પરેશભાઈ, જગદીશભાઈ, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપકભાઈ ચૌહાણ, મહામંત્રી હિતેશભાઈ મયુરસિંહ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ લોકલાડીલા ધારાસભ્ય ડી.કે. સ્વામીની હાજરીએ સમગ્ર કાર્યક્રમમાં ખાસ ઉર્જાનો સંચાર કર્યો હતો.
આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ રાજદીપસિંહ ડાયમાએ જણાવ્યું હતું કે, “અમારા લોકલાડીલા ધારાસભ્ય ડી.કે. સ્વામીજીએ અમારા પર વિશ્વાસ મૂકી આ જવાબદારી સોંપી છે. અમે આ પદની ફરજ સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે નિભાવશું. આમોદ તાલુકાનો સર્વાંગી વિકાસ થાય અને ગ્રામ્ય વિસ્તારો સુધી વિકાસની ગંગા પહોંચે તે માટે અમારી આખી ટીમ સતત પ્રયત્નશીલ રહેશે.”
ભાજપ માટે આ વિજય આનંદ અને ગૌરવની ક્ષણ છે, પરંતુ સાથે જવાબદારી પણ એટલી જ મોટી છે. આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી, રસ્તા, આરોગ્ય અને મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો આજે પણ અનેક ગામોમાં યથાવત છે. હવે જનતાની નજર નવા ચૂંટાયેલા પ્રમુખ રાજદીપસિંહ ડાયમા અને ઉપપ્રમુખ વિજયભાઈ પાટણવાડિયા પર રહેશે કે તેઓ ચૂંટણી દરમિયાન કરાયેલા વિકાસના વાયદાઓને કેટલી ઝડપથી જમીન પર ઉતારે છે. જનતાએ વિશ્વાસ મૂક્યો છે, હવે જોવાનું એ રહેશે કે આ ‘કમળ’ની કળીઓ ખરેખર આમોદના વિકાસના ઉદ્યાનને મહેકાવે છે કે નહીં.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023