Geo Gujarat News

આમોદ: વિકાસના વચનો ભૂલાયા કે વૈભવની શરૂઆત? નગરપાલિકાના પ્રમુખ ચેમ્બરના મેકઓવર પર ઉઠ્યા તીખા સવાલો!

આમોદ નગરપાલિકામાં સત્તા પરિવર્તન બાદ હજુ વિકાસના મોટા કાર્યોને ગતિ મળે તે પહેલાં જ પ્રમુખ ચેમ્બરમાં કરવામાં આવેલા નવીનીકરણને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. નવા AC, આકર્ષક કારપેટ, ખુરશીઓ અને રંગરોગાન જેવી સુવિધાઓ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. નગરજનોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે નગરના વિવિધ વિકાસલક્ષી કામો અને જાહેર સુવિધાઓને પ્રાથમિકતા આપવાને બદલે સૌપ્રથમ ઓફિસના સુશોભનને કેમ મહત્વ આપવામાં આવ્યું?નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈએ સ્પષ્ટતા કરી છે કે, ચેમ્બરમાં કરવામાં આવેલી કામગીરીનો ખર્ચ નગરપાલિકાના ખજાનામાંથી નહીં પરંતુ તેમના સ્વખર્ચે કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ ચેમ્બરની સ્થિતિ અત્યંત જર્જરિત હતી. અને મુલાકાતે આવતા અધિકારીઓ, મહાનુભાવો તથા નગરજનો સમક્ષ નગરપાલિકાની પ્રતિષ્ઠાને અનુરૂપ વાતાવરણ ઊભું કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે આ સ્પષ્ટતા છતાં ચર્ચાઓ અને સવાલોનો અંત આવ્યો નથી.વિપક્ષી વર્તુળો અને અનેક નગરજનોનું માનવું છે કે, જ્યારે નવી નગરપાલિકા બિલ્ડિંગના નિર્માણ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે જૂની બિલ્ડિંગમાં આ પ્રકારની સુવિધાઓ ઉભી કરવાનો નિર્ણય કેટલો વાજબી ગણાય? કેટલાક લોકોનું કહેવું છે કે જો ટૂંકા સમયમાં નવી બિલ્ડિંગ બનવાની હોય તો હાલની જર્જરિત ઓફિસમાં કરવામાં આવતો ખર્ચ અને સજાવટ માત્ર દેખાવ પૂરતી કવાયત બની શકે છે. રાજકીય વર્તુળોમાં એ મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે કે અગાઉના શાસનકાળ દરમિયાન ઓફિસમાં AC જેવી સુવિધાઓ ન હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવતો હતો, પરંતુ હવે સત્તા હાથમાં આવતા સૌથી પહેલાં ચેમ્બરના આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેના કારણે વિકાસ પહેલા વૈભવ અને પ્રજાની સમસ્યાઓ કરતાં સત્તાધીશોની સુખાકારી વધુ મહત્વની?જેવા અનેક સવાલો જન્મ લઈ રહ્યા છે.નગરજનોમાં એક વધુ ચર્ચા જોર પકડી રહી છે કે, ભલે AC ખરીદવાનો ખર્ચ વ્યક્તિગત રીતે કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવે, પરંતુ તેનું વીજ બિલ અને જાળવણીનો ખર્ચ અંતે સરકારી તિજોરીમાંથી એટલે કે પ્રજાના પૈસામાંથી જ થવાનો છે. તેથી માત્ર ખરીદી કોણે કરી એ મુદ્દા કરતાં ભવિષ્યમાં તેના ખર્ચનો બોજ કોણ ઉઠાવશે તે પણ મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે. હાલ સમગ્ર મામલો આમોદના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ પ્રમુખ દ્વારા તેને પ્રતિષ્ઠા અને વ્યવસ્થાની જરૂરિયાત ગણાવવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ નગરજનો વિકાસના વચનો અને વાસ્તવિક કામગીરી વચ્ચેનો તફાવત દર્શાવી જવાબદારીની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં નગરપાલિકા નગરના વિકાસ કાર્યોને કેટલી ઝડપથી આગળ વધારે છે અને ઉઠેલા સવાલોના જવાબ જનતાને કેટલા સંતોષકારક રીતે આપી શકે છે.

 

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.