Geo Gujarat News

વાગરા: સાયખા GIDCમાં ઝેરી ગેસનો આતંક? વહેલી સવારે ફેલાયેલા એમોનિયાએ મચાવી દહેશત, જવાબદાર કોણ? સત્ય છુપાવવાનો પ્રયાસ કે ગંભીર ઔદ્યોગિક બેદરકારી!

વાગરા તાલુકાની સાયખા GIDCમાં આજે વહેલી સવારે સર્જાયેલી રહસ્યમય ઘટનાએ સમગ્ર ઔદ્યોગિક વિસ્તારને હચમચાવી નાખ્યો છે. સવારે અંદાજે 6:30 વાગ્યાના અરસામાં કોઈક ઝેરી કેમિકલ હવામાં પ્રસરી જતાં આસપાસના વિસ્તારમાં સફેદ ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. સ્થાનિક લોકો તેમજ નજીકની કંપનીઓમાં કામદારોને આંખોમાં અસહ્ય બળતરા, શ્વાસ લેવામાં તકલીફ અને ગભરાટ જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. નિષ્ણાતોના મતે હવામાં પ્રસરી ગયેલું કેમિકલ એમોનિયા હોવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થિતિ એટલી ગંભીર બની હતી કે સફેદ ધુમાડાના ગોટેગોટા વચ્ચે આખો વિસ્તાર ઘેરાઈ ગયો હતો અને આસપાસના ઉદ્યોગોમાં પણ એલર્ટ જાહેર કરવાની ફરજ પડી હતી. ઘટનાના કલાકો બાદ, સવારે લગભગ 10:30 વાગ્યે કાળા ધુમાડા નીકળતા દેખાતા મામલો વધુ ગંભીર બન્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ કોઈ એમોનિયાના ડ્રમ અથવા ટેન્કમાં લીકેજ થયા બાદ તેને ડિકમ્પોઝ કરવાની પ્રક્રિયા દરમિયાન આ કાળા ધુમાડા નીકળ્યા હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે.સ્થાનિક આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર KRUFREN PHARMA PVT LTD કંપનીમાં કોઈ ગંભીર પ્રકારની ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વહેલી સવારે ધડાકા જેવો અવાજ સંભળાયો હતો, ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં એમોનિયા ગેસ ફેલાઈ ગયો હતો. જોકે આ મામલે મીડિયા દ્વારા કંપની ખાતે સંપર્ક કરવામાં આવતા સિક્યોરિટી કર્મચારીઓએ કોઈપણ પ્રકારની ઘટના બની હોવાનો ઇનકાર કર્યો હતો. વધુમાં કંપનીમાં જવાબદાર અધિકારી હાજર ન હોવાનું જણાવીને સમગ્ર મામલે મૌન સાધવામાં આવ્યું હતું. અહીં મહત્વની વાત એ છે કે કોઈપણ કંપનીમાં ઘટના બની હોય કે ન બની હોય, પરંતુ જો સમગ્ર વિસ્તાર ઝેરી ગેસના પ્રભાવ હેઠળ આવ્યો હોય, લોકોની આંખોમાં બળતરા થઈ હોય, અન્ય કંપનીઓને એલર્ટ જાહેર કરવું પડ્યું હોય અને ત્યારબાદ કાળા ધુમાડા પણ દેખાયા હોય, તો આ મામલો માત્ર અફવા કે સામાન્ય ઘટના તરીકે અવગણવા જેવો નથી. જો વાસ્તવમાં કોઈ ઔદ્યોગિક અકસ્માત બન્યો હોય અને તેને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય, તો તે અત્યંત ગંભીર બાબત ગણાશે.હવે સૌથી મોટો સવાલ એ છે કે આખરે સવારે ફેલાયેલો ગેસ ક્યાંથી આવ્યો? સફેદ અને ત્યારબાદ કાળા ધુમાડા પાછળનું સાચું કારણ શું હતું? જો કોઈ ઘટના બની નથી તો આખા વિસ્તારમાં લોકો આંખોની બળતરા અને શ્વાસની તકલીફનો ભોગ કેમ બન્યા? આ તમામ પ્રશ્નોના જવાબ હવે સંબંધિત તપાસ એજન્સીઓએ આપવા પડશે. GPCB, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય જવાબદાર એજન્સીઓએ તાત્કાલિક ઘટનાસ્થળના સેમ્પલ એકત્રિત કરી, આસપાસની કંપનીઓના CCTV ફૂટેજ, ગેસ મોનિટરિંગ ડેટા તથા અન્ય તકનિકી પુરાવાઓની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવી જરૂરી બની ગઈ છે. જો કોઈ કંપનીની બેદરકારી સામે આવે તો માત્ર નોટિસો આપીને મામલો દબાવી દેવાના બદલે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ, કારણ કે અહીં વાત માત્ર નિયમોના ભંગની નથી, પરંતુ માનવ જીવન અને પર્યાવરણની સુરક્ષાની છે. નોંધનીય છે કે એમોનિયા જેવા ગેસના સંપર્કમાં આવવાથી આંખોમાં તીવ્ર બળતરા, શ્વાસ લેવામાં મુશ્કેલી, ફેફસાંને નુકસાન, બેભાન થવાની સ્થિતિ અને ગંભીર કિસ્સાઓમાં જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે. તેથી આ ઘટનાને હળવાશથી લેવાના બદલે તેના મૂળ સુધી પહોંચી સત્ય બહાર લાવવું અત્યંત આવશ્યક છે. જો આજે સમયસર તપાસ નહીં થાય, તો આવતીકાલે કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને નિર્દોષ લોકો તેનો ભોગ બને, તો તેની જવાબદારી કોણ લેશે? હવે સમગ્ર વિસ્તારની નજર તંત્રની કાર્યવાહી પર ટકેલી છે.આ સમગ્ર ઘટનાને લઈને વિવિધ સ્ત્રોતો પાસેથી મળતી આધારભૂત માહિતી અને સ્થાનિક સ્તરે ઉઠેલી ચર્ચાઓના આધારે આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. જોકે ઘટનાની સત્તાવાર પુષ્ટિ સંબંધિત કંપની અથવા જવાબદાર તંત્ર તરફથી કરવામાં આવી નથી. GEO GUJARAT NEWS આ ઘટનાની સ્વતંત્ર પુષ્ટિ કરતું નથી, પરંતુ સમગ્ર મામલો ગંભીર તપાસનો વિષય હોવાથી તંત્ર દ્વારા નિષ્પક્ષ અને તાત્કાલિક તપાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી બની ગયું છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.