Geo Gujarat News

લંડનથી આમોદ સુધી વહેતી માનવતાની ઠંડી લહેર: 40 ડિગ્રીથી વધુની કાળઝાળ ગરમી વચ્ચે તિલક મેદાન ખાતે 80 લિટર છાસનું નિઃશુલ્ક વિતરણ

આમોદ: એક તરફ આકાશમાંથી અગનગોળા વરસાવતો સૂરજ અને બીજી તરફ તિલક મેદાન પર ઠંડી છાસના ગ્લાસ લઈને ઉભેલા યુવાનો; આ દ્રશ્ય જોઈને કોઈ પણ માનવતાની શીતળતા અનુભવી જાય. આમોદ શહેર આજે જ્યારે 40 ડિગ્રીથી વધુ તાપમાનની આંચમાં શેકાઈ રહ્યું હતું, ત્યારે લંડનના દિલથી શરૂ થયેલી સેવાની એક અનોખી ઠંડી લહેર તિલક મેદાન ખાતે પહોંચી હતી. લંડનમાં સ્થાયી થયેલા દિશાબેન રાજેશભાઈ પટેલના સહયોગથી રાહદારીઓ અને વાહનચાલકો માટે ઠંડી છાસનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી રહેલા લોકોના ચહેરા પર રાહતની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી. આ સમગ્ર સેવાકીય કાર્યને સાકાર સ્વરૂપ આપવા માટે સ્નેહલ કાપડિયા અને તેમની યુવા ટીમ સવારથી જ તૈયારીઓમાં લાગી ગઈ હતી. કેતન પટેલ, બાબુભાઈ માછી, રાહુલ વાળંદ, વૈભવ શાહ, રોનક રામી અને દેવેન્દ્ર માછી જેવા યુવાનો તડકામાં ઉભા રહી લોકોને ઠંડી છાસ પીવા આમંત્રિત કર્યા હતા. આ સેવાયજ્ઞ બપોર સુધી સતત ચાલ્યો હતો, જેમાં 80 લિટરથી વધુ ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. થોડા જ સમયમાં તિલક મેદાન પર મફત છાસ ની વાત આખા વિસ્તારમાં ફેલાઈ જતા ટ્રક ચાલકો, ઓટોરીક્ષા ડ્રાઈવરો, મજૂરો, વેપારીઓ અને વૃદ્ધોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.છાસનો એક ઘૂંટડો પીતા જ થાકેલા અને પરસેવાથી રેબઝેબ થયેલા લોકોના ચહેરા પર ખુશી અને ટાઢકની લાગણી જોવા મળી રહી હતી. કાર્યક્રમના સંયોજક સ્નેહલ કાપડિયાએ જણાવ્યું હતું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. કાળઝાળ ગરમી વચ્ચે તિલક મેદાન ખાતે વહેતી આ ઠંડી છાસની લહેરખીએ લોકોના દિલમાં માનવતાની શીતળતા ઉતારી દીધી હતી.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.