નર્મદાનું પાણી ખાડામાં ઘૂસતા કલેક્ટરને કરાઈ તાત્કાલિક રજૂઆત! આગામી ચોમાસામાં સંકટ વધવાની આશંકા વ્યક્ત કરાઈ! વાગરા તાલુકાના કોલીયાદ ગામમાં GHV India Pvt. Ltd. અને BDHS Road Project Pvt. Ltd. દ્વારા કરવામાં આવેલા ખોદકામને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ભરૂચ જિલ્લા કલેક્ટરને કરવામાં આવેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કંપનીએ મળેલી મંજૂરીની શરતોને નેવે મૂકી મંજૂર મર્યાદા કરતાં અનેકગણી વધુ ઊંડાઈ સુધી ખોદકામ કર્યું છે, જેના પરિણામે નર્મદા નદીનું પાણી વિશાળ ખાડાઓમાં પ્રવેશી ગયું છે. ફરિયાદ અનુસાર અનેક સ્થળોએ અંદાજે 17 થી 25 ફૂટ જેટલી ઊંડાઈ સુધી માટી ઉપાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આટલી ઊંડી ખોદકામ પ્રવૃત્તિથી માત્ર જમીનનું કુદરતી સ્વરૂપ જ બદલાઈ ગયું નથી, પરંતુ સમગ્ર વિસ્તાર માટે પર્યાવરણીય અને જાહેર સુરક્ષાનો ગંભીર ખતરો પણ ઊભો થયો હોવાનું જણાવાયું છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે, જો આવનારા ચોમાસામાં નર્મદાના પાણીનું સ્તર વધશે તો આ પાણી આસપાસના ખેતરોમાં ઘૂસી શકે છે, જેના કારણે પાક, ખેતીલાયક જમીન અને સિંચાઈ વ્યવસ્થાને ભારે નુકસાન પહોંચી શકે તેમ છે. એટલું જ નહીં, પાણીથી ભરાયેલા ખુલ્લા અને ઊંડા ખાડાઓ માનવજીવન તેમજ પશુધન માટે પણ મોતના કૂવા સમાન સાબિત થઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
ખનનનું સત્ય બહાર લાવવા ડ્રોન સર્વે કરાવો, માપણીમાં પારદર્શિતા લાવો, ખેડૂતોની હાજરીમાં કરો સર્વે! ફરિયાદમાં વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે ગામ પંચાયતના ઠરાવો, ભલામણો અને સંબંધિત અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી મંજૂરીઓની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જો મંજૂરી મેળવવા માટે ખોટી માહિતી રજૂ કરવામાં આવી હોય અથવા સત્તાનો દુરુપયોગ થયો હોય તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામા આવી છે. અરજદારે સમગ્ર મામલે તાત્કાલિક સંયુક્ત તપાસ સમિતિ રચવા, GPS અને ડ્રોન સર્વે દ્વારા વાસ્તવિક માપણી કરાવવા, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ખોદકામ બંધ કરાવવા તેમજ નિયમભંગ સાબિત થાય તો કંપની અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફરિયાદમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે જો વહેલી ટકે સ્થળ તપાસ અને પ્રાથમિક કાર્યવાહી શરૂ નહીં થાય તો ખેડૂતો અને ગ્રામજનો જિલ્લા કક્ષાએ ધરણાં, જનસભાઓ સહિતના વિરોધ કાર્યક્રમો શરૂ કરવા મજબૂર બનશે. જરૂર પડશે તો મામલો ગાંધીનગર અને ગુજરાત હાઈકોર્ટ સુધી લઈ જવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ખરેખર મંજૂરીની આડમાં કોલીયાદની ધરતીનું અતિશય ખોદકામ થયું છે? અને જો થયું હોય તો ખેડૂતોના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓ સામે તંત્ર ક્યારે અને કેટલી કડક કાર્યવાહી કરશે? સમગ્ર પંથકની નજર હવે જિલ્લા તંત્રની આગામી કાર્યવાહી પર ટકેલી છે.
વાગરામાં ગેરકાયદેસર માટી ખનનનો કાળો કારોબાર! ચોમાસા પહેલાં ખનનનો છેલ્લો ખેલ! મંજૂરીની આડમાં માટી ખનનના કૌભાંડ? વાગરા પંથકમાં ગેરકાયદેસર માટી ખનન હવે ખુલ્લેઆમ ચાલતા ધંધાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. કોલીયાદનો મુદ્દો માત્ર એક નમૂનો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે વાગરા તાલુકાના અનેક વિસ્તારોમાં વર્ષોથી જમીનોને ખોતરીને કુદરતી સંપત્તિનું બેફામ શોષણ થઈ રહ્યું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે, છતાં જવાબદાર તંત્રની કાર્યવાહી સવાલોના ઘેરામાં છે. હાલ ચોમાસાને ગણતરીના દિવસો બાકી હોવાથી ભૂ-માફિયાઓ દ્વારા રાત-દિવસ ખનનની પ્રવૃત્તિઓને તેજ કરવામાં આવી હોવાની ભૂમો પણ ઉઠવા પામી છે. જો ચોમાસા પહેલાં વૈજ્ઞાનિક અને નિષ્પક્ષ માપણી હાથ ધરવામાં આવે તો મંજૂરીની આડમાં થયેલા અતિશય ખોદકામ, સરકારી નિયમોના ભંગ અને અનેક સંભવિત ગેરરીતિઓનો મોટો ભાંડો ફૂટે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આવા બેફામ ખનનથી માત્ર પર્યાવરણ જ નહીં, પરંતુ ખેડૂતોની જમીન, ભૂગર્ભ જળસ્તર અને આવનારી પેઢીઓના કુદરતી સંસાધનો પણ જોખમમાં મુકાઈ રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે તંત્ર ભૂ-માફિયાઓ સામે કડક કાર્યવાહી કરશે કે પછી ફરિયાદો માત્ર કાગળો પૂરતી જ સીમિત રહી જશે?
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com