કોન્ટ્રાકટર દ્વારા સરકારી ટેન્ડરના નિયમો નેવે મૂકી કમ્પાઉન્ડમાંથી માટી અને કોરિસ્પોઇલ ખોદી નાખ્યું
સરકારી રોયલ્ટી ભરવી ના પડે અને રૂપિયા બચાવવા સરકારની તિજોરીને કર્યું નુકશાન
હજુ વૃક્ષો કાપી નાખવાની તપાસ પૂરી નથી થઈ ત્યાં ફરી માટી અને ક્વોરિસપોઇલની તપાસની જરૂર
વાલિયા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદેસર રીતે કમ્પાઉન્ડમાંથી મંજૂરી કે ખાણ અને ખનિજ વિભાગની રોયલ્ટી વિના માટી ખોદી અન્ય તેના કામમાં પુરાણ કરવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં સરકારી નિયમો અને પારદર્શિતાના દાવાઓ વચ્ચે કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમોને નેવે મૂકીને સરેઆમ ગેરકાયદેસર કામગીરી ચાલુ રાખવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જરૂરી વહીવટી મંજૂરીઓ કે નિયમોનું પાલન કર્યા વિના જ વાલિયા આઈટીઆઈના કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની કામગીરી બેરોકટોક ચાલુ રાખવામાં આવતા હવે સ્થાનિક સ્તરે અને તંત્રમાં અનેક ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. જાગૃત નાગરિકોમાં ચર્ચા છે કે, શું આવા જોહુકમી ચલાવતા કોન્ટ્રાક્ટરોને કોઈ મોટા માથાઓનું પીઠબળ મળી રહ્યું છે જેથી બેફામ બની ગયા છે.

વાલિયા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે બિલ્ડીંગ અને અન્ય બાંધકામ જયેશ શેલડીયા નામના કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી રહ્યું છે.અગાઉ આ કોન્ટ્રાકટર અને આઈટીઆઈના આચાર્યની મિલીભગતમાં આશરે 45 થી વધુ વૃક્ષોનું વિકાસના નામે વિનાસ કરવા નિકંદન કાઢી પર્યાવરણને નુકશાન પહોંચાડ્યું હોવાના અહેવાલ સામે આવ્યા હતા.આ બનાવ બાદ વૃક્ષોના નિકંદનની તપાસ હજુ પૂરી થઈ નથી ત્યાં હવે બિલ્ડિંગ કોન્ટ્રાકટરે પોતાની મનમાની ચાલુ રાખી છે.કોન્ટ્રાકટર દ્વારા હાલ પ્રોટેક્શન દિવાલ અને અન્ય જગ્યા પર પુરાણ માટે ગેરકાયદેસર રીતે સંસ્થાના કમ્પાઉન્ડમાંથી કોઈપણ જાતની રોયલ્ટી કે માટી અને ક્વોરીસ્પોઈલની ખોદવાની મંજૂરી વિના માટી અને ક્વોરીસ્પોઈલ ખોદી પોતાની મનમાની યથાવત રાખી છે.આ અંગે તેઓ પાસે મંજૂરી અંગે પૂછપરછ કરવામાં આવતા તેણે પત્રકારને ઉડાઉ જવાબ આપી પોતાની કામગીરી ચાલુ રાખી છે.ત્યારે સવાલો ઉઠવા પામ્યા છે કે શું આવા કોન્ટ્રાકટર નિયમો અને મંજૂરી વિના કેવી રીતે કામગીરી કરી રહ્યા છે.

આ સમગ્ર પ્રકરણમાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે, સંબંધિત સરકારી વિભાગોની આંખ નીચે જ આ આખો ખેલ ખેલાઈ રહ્યો છે. આ મામલે ખાસ કરીને ખાણ ખનીજ વિભાગ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા તેમજ જે તે કામ કરાવતા મુખ્ય સરકારી વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. નિયમ મુજબ કોઈપણ સરકારી પ્રોજેક્ટ કે કામગીરી શરૂ કરતા પહેલા ટેન્ડરની પ્રક્રિયા અને તમામ કાયદાકીય મંજૂરીઓ અનિવાર્ય હોય છે, ત્યારે અહીં કોઈપણ પ્રકારની મંજૂરી વિના કામગીરી કેવી રીતે ધમધમી રહી છે તે એક મોટો યક્ષપ્રશ્ન બની ગયો છે.

ટેન્ડર મુજબ તપાસ કેમ નહીં?: કામ કરાવતા મુખ્ય વિભાગ દ્વારા ટેન્ડરની શરતો મુજબ કામગીરીની યોગ્ય તપાસ કેમ કરવામાં આવતી નથી તે તપાસ જરૂરી છે.
ગેરકાયદેસરતા પર મૌન કેમ સેવાઈ રહ્યું છે. ગેરકાયદેસર કામગીરી સ્પષ્ટ દેખાઈ રહી હોવા છતાં જવાબદાર અધિકારીઓ મૌન કેમ સેવી રહ્યા છે તે પણ શંકા ઉપજાવે છે.ખુલાસો અનિવાર્ય બન્યો છે. ખાણ ખનીજ વિભાગ અને આઈ.ટી.આઈ. તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક યોગ્ય અને સંતોષકારક ખુલાસો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

લોકમુખે ચર્ચા “જો સામાન્ય નાગરિક નાનો નિયમ પણ તોડે તો તંત્ર તાત્કાલિક દંડ ફટકારે છે તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે, તો પછી આવા મોટા કોન્ટ્રાક્ટરો સામે કાયદાના હાથ કેમ ટૂંકા પડી રહ્યા છે તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ.

હાલ તો આ સમગ્ર ગેરકાયદેસર કામગીરીને લઈને સ્થાનિકો અને જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકમાંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ મામલાની ગંભીરતા નોંધીને, ટેન્ડરની શરતોના ભંગ બદલ સંબંધિત કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક ધોરણે કાયદાકીય પગલાં ભરવામાં આવે અને સમગ્ર કામગીરી પર રોક લગાવવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આ મામલો વધુ ગરમાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
Author: Saifali Bhatti
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096