Geo Gujarat News

વાગરા: કેકના ઓર્ડરની આડમાં સાયબર ઠગોનો ખેલ! પૈસા ટ્રાન્સફર કરી દો કહેતા જ ફસાયા વેપારી, સાયબર ગેંગનો નવો દાવ!

સાયબર ગુનેગારો હવે છેતરપિંડી માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યા હોવાનું એક ચોંકાવનારા બનાવથી સામે આવ્યું છે. સામાન્ય વેપારી વ્યવહારની આડમાં ગૂંથાયેલા આ કાવતરાએ સ્થાનિક વેપારીઓને સતર્ક રહેવા મજબૂર કર્યા છે. ઠગોએ મોબાઇલ દુકાનદાર અને બેકરી સંચાલકને નિશાન બનાવી એવી ગૂંચવણ ઊભી કરી કે બંને વચ્ચે વિશ્વાસનો લાભ લઈને મોટી રકમ પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, એક અજાણ્યા શખ્સે મોબાઇલ દુકાનદારનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે, તેનો ઓળખીતો વ્યક્તિ રૂપિયા લઈને આવશે અને તે રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી આપવાની રહેશે. બીજી તરફ એ જ ઠગે બેકરી સંચાલકને કેકનો ઓર્ડર આપીને એડવાન્સ પેટે રૂપિયા મોબાઇલ દુકાનદાર પાસે જમા કરાવ્યાનું કહી ત્યાંથી રકમ મેળવી લેવા જણાવ્યું હતું. બંને વેપારીઓને અલગ-અલગ રીતે ભ્રમિત કરીને ગેરસમજનું જાળ બિછાવવામાં આવ્યું હતું. બેકરી સંચાલક દ્વારા મોકલવામાં આવેલા વ્યક્તિને મોબાઇલ દુકાનદારે ફોનમાં જણાવાયેલા વ્યક્તિ તરીકે માની લીધો અને ગેરસમજના આધારે હજારોની મત્તાની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જોકે બાદમાં હકીકત સામે આવતા સમગ્ર ઘટનાક્રમ સાયબર ઠગાઈનો ભાગ હોવાનું સ્પષ્ટ બન્યું હતું. જે બાદ વેપારીએ ઓનલાઈન ફરિયાદ નોંધાવી હોવાની માહિતી મળી હતી. સદનસીબે સમયસર ભેદ ખુલતા વધુ નુકસાન ટળી ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ બનાવ ફરી એકવાર સાબિત કરે છે કે સાયબર ઠગો હવે માત્ર OTP કે લિંક દ્વારા જ નહીં, પરંતુ વેપારીઓ વચ્ચે ગૂંચવણ અને વિશ્વાસનો દુરુપયોગ કરીને પણ છેતરપિંડીના નવા રસ્તા શોધી રહ્યા છે. કોઈપણ અજાણી વ્યક્તિના ફોન, ઓનલાઈન સૂચના કે તૃતીય વ્યક્તિ મારફતે થતી નાણાકીય લેવડદેવડ પહેલાં સંપૂર્ણ ચકાસણી કરવી અને ખાતરી કર્યા વિના પૈસા ટ્રાન્સફર ન કરવા જાગૃત નાગરિકો અને વેપારીઓ માટે સમયની માંગ બની ગઈ છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!