Geo Gujarat News

અંકલેશ્વરની શ્રમજીવી શાકભાજી વેચાણ કરતી બહેનોને ન્યાય અપાવો – રોજીરોટી છીનવવી નહીં, રોજગાર આપો

અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે વર્ષોથી શાકભાજી વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી ગરીબ, શ્રમજીવી, વિધવા અને નિરાધાર બહેનો આજે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે. આ બહેનો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી નથી, કોઈની મિલકત ઉપર કબજો કરતી નથી, કોઈને નુકસાન પહોંચાડતી નથી. તેઓ માત્ર પોતાના પરિવારના બે ટંકના ભોજન માટે રોજ સવારે શાકભાજી ખરીદી લાવે છે અને આખો દિવસ તડકો, વરસાદ અને ઠંડીમાં બેસીને મહેનતપૂર્વક વેચાણ કરે છે.

દુઃખની બાબત એ છે કે વર્ષોથી આ જ સ્થળે વ્યવસાય કરતી આ બહેનો પાસેથી નગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના ટેક્સ અને ચાર્જ વસૂલવામાં આવ્યા હોવા છતાં આજે તેઓને ધંધો કરવા દેવામાં આવતો નથી. વારંવાર તેમને સ્થળ પરથી હટાવવામાં આવે છે, ધાકધમકીઓ આપવામાં આવે છે અને કેટલીક વખત તો તેમનો માલસામાન પણ નુકસાન પામે છે.

અમે એક સવાલ પૂછવા માંગીએ છીએ કે શું ગરીબ મહિલાઓને પોતાના પરિવારનું ભરણપોષણ કરવાનો અધિકાર નથી? શું વિધવા અને નિરાધાર બહેનોને જીવવાનો હક્ક નથી? શું શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું એકમાત્ર કારણ આ ગરીબ મહિલાઓ જ છે? જો શહેરમાં અન્ય અસંખ્ય દબાણો અને ગેરવ્યવસ્થાઓ છે તો માત્ર શ્રમજીવી બહેનોને જ નિશાન કેમ બનાવવામાં આવે છે?

આ બહેનો કોઈ સરકારી સહાય માંગતી નથી, કોઈ ભીખ માંગતી નથી, કોઈ મફત લાભ માંગતી નથી. તેઓ માત્ર એટલી જ માંગણી કરે છે કે તેમને સન્માનપૂર્વક મહેનત કરીને રોજગાર મેળવવા માટે યોગ્ય અને કાયમી જગ્યા ફાળવવામાં આવે.

સરકારશ્રી મહિલા સશક્તિકરણ, સ્વરોજગાર અને ગરીબ કલ્યાણની વાત કરે છે. ત્યારે જમીન સ્તરે આવી શ્રમજીવી બહેનોની રોજીરોટી છીનવવાનો પ્રયાસ થાય તે અત્યંત દુઃખદ અને ચિંતાજનક બાબત છે. સમાજ અને તંત્રએ સમજવું જોઈએ કે આ બહેનો પાછળ માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ આખો પરિવાર જોડાયેલો છે. તેમની કમાણી બંધ થાય એટલે તેમના બાળકોનું શિક્ષણ, પરિવારનું ભરણપોષણ અને જીવનનિર્વાહ જોખમમાં મુકાય છે.
અમે જિલ્લા વહીવટીતંત્ર, નગરપાલિકા, પોલીસ તંત્ર અને જનપ્રતિનિધિઓને વિનંતી કરીએ છીએ કે આ બહેનોને હેરાન કરવાના બદલે તેમની સાથે બેઠક યોજી માનવતાના ધોરણે કાયમી ઉકેલ લાવે. ટ્રાફિકની સમસ્યા હોય તો પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવે, નિયમો બનાવવામાં આવે, પરંતુ ગરીબ મહિલાઓની રોજીરોટી ઉપર પ્રહાર ન કરવામાં આવે.
આજે પ્રશ્ન માત્ર શાકભાજી વેચાણ કરતી બહેનોનો નથી, પ્રશ્ન મહેનતકશ મહિલાઓના સન્માન અને તેમના જીવવાના અધિકારનો છે.

Saifali Bhatti
Author: Saifali Bhatti

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!