Geo Gujarat News

વાગરાના હરીનગરમાં સરકારી જમીનમાં ચાલતું કરોડોનું ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું, ૧.૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

સરકારી સંસાધનોની લૂંટ ચલાવતા ભૂમાફિયાઓ સામે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ કડક વલણ અખત્યાર કર્યું છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના સીધા માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી દ્વારા ગત રાત્રે એક પ્રશંસનીય અને અત્યંત ગુપ્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. તા. ૧૭/૦૬/૨૦૨૬ ના રોજ મધરાતે ૧:૦૦ કલાકે જ્યારે સમગ્ર પંથક પોઢી રહ્યો હતો, ત્યારે વાગરા તાલુકાના હરીનગર ગામની સીમમાં આવેલા સરકારી સર્વે નંબર ૧૦ માં પ્રશાસનની ટીમે ઓચિંતી રેડ પાડીને મોટા પાયે ચાલતું ગેરકાયદેસર માટી ખનનનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતુ. ભૂમાફિયાઓ કોઈ પણ પ્રકારની કાયદેસરની પરવાનગી વિના જ તદ્દન બેખોફ બનીને સરકારી જમીનમાંથી મૂલ્યવાન માટી ચોરી રહ્યા હતા. અને રાજ્ય સરકારને રોયલ્ટીનું મોટું નુકસાન પહોંચાડી રહ્યા હતા. પ્રશાસનની આ અચાનક ત્રાટકેલી ટીમને જોઈને સ્થળ પર ભારે નાસભાગ મચી ગઈ હતી. તંત્રએ સપાટો બોલાવતા ઘટના સ્થળેથી માટીથી ખિચોખિચ ભરેલી બે ટ્રકો, માટી ભરવા માટે લાઈનમાં ઉભેલી અન્ય બે ખાલી ટ્રકો તેમજ ગેરકાયદે ખોદકામ માટે વપરાતા બે મોટા હિટાચી મશીનો સહિત કુલ રૂ. ૧.૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.જોકે, અંધારાનો લાભ લઈને બે ટ્રકો સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહી હતી, જેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. સરકારી મિલકત પર તરાપ મારનારા તત્વોને ભરૂચ પ્રશાસને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. હાલમાં સ્થળ પરથી તમામ મશીનરી અને વાહનો જપ્ત કરી લેવામાં આવ્યા છે. અને ખાણ-ખનિજ વિભાગ તેમજ સ્થાનિક પોલીસ સત્તાવાળાઓ દ્વારા ભૂમાફિયાઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી અને દંડ વસૂલાતની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્રશાસનની આ સપાટાભેર કામગીરીથી પંથકના તમામ ગેરકાયદેસર ખનન કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.ચોમાસા પૂર્વે જી.આઈ.ડી.સી. પંથકમાં માટી ચોરો બેફામ, રાત્રિના અંધારામાં ડમ્પરોની દોડધામ, ઓચિંતા ચેકિંગની તાતી જરૂરિયાત! અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ચોમાસાની સીઝન નજીક આવી રહી છે. ત્યારે વાગરા પંથકમાં ભૂમાફિયાઓ ભારે સક્રિય બન્યા છે. અને અત્યંત તેજ ગતિએ ગેરકાયદેસર માટી ખનનનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે. ખાસ કરીને વાગરાના GIDC વિસ્તારમાં રાત્રિના સમયે માટી વહન કરતા ભારેભરખમ ડમ્પરોની આવન-જાવન શંકાસ્પદ રીતે ખુબ જ વધી ગઈ છે. મધરાતે સરકારી અસ્કયામતોને લૂંટવા નીકળતા આ તત્વો પર જો વહીવટી તંત્ર દ્વારા હજુ પણ વધુ આક્રમક બનીને ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવે, તો કરોડો રૂપિયાના ખનન કૌભાંડો અને વાહનો પકડાઈ તેવી પૂરેપૂરી સંભાવના છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં વહીવટી તંત્ર વાગરા GIDC અને તેની આસપાસના વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવે તે સ્થાનિક હિતમાં અત્યંત જરૂરી બન્યું છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!