તંત્ર રાત્રિ દરોડા પાડે તો મોટા માથાઓના પાપ છતાં થાય! વાગરા પંથકમાં બેફામ બનેલા ગેરકાયદેસર ખનન માફિયાઓ સામે આખરે તંત્રએ લાલ આંખ કરી છે. હરિનગર બાદ હવે વાવ વિસ્તારમાં વાગરા મામલતદારે સપાટો બોલાવી ગેરકાયદેસર માટી ખનન અને વહન પ્રવૃત્તિના લીરેલીરા ઉડાવી દીધા છે. સરકારી તિજોરીને ચૂનો લગાડી રોયલ્ટી પાસ વિના ખુલ્લેઆમ દોડતા તત્વો સામે તંત્રની આ કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. બાતમીના આધારે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમિયાન, રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે માટીનું વહન કરતું એક હાઈવા ડમ્પર નંબર GJ-06-BX-9864 ઝડપાયું હતું. કાયદાના ધજાગરા ઉડાવતા આ ડમ્પરમાં અંદાજે 45 ટન જેટલી ગેરકાયદેસર માટી ભરેલી હોવાનું સામે આવ્યું છે. તંત્રએ આ આખીય કાળી કમાણી પર ત્રાટકતા રૂ. 20 લાખની અંદાજિત કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી અર્થે વાહન વાગરા પોલીસને સોંપી દીધું છે. વાગરા પંથકમાં છેલ્લા લાંબા સમયથી ગેરકાયદેસર ખનનની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આ માત્ર એક નમૂનારૂપ કાર્યવાહી છે કે પછી અન્ય વિસ્તારોમાં મૂકેલાં ગેરકાયદેસર ખનનના અડ્ડાઓ પર પણ તંત્ર આ જ રીતે બુલડોઝર ફેરવશે? જનતા હવે આ માફિયાઓ સામે આરપારની લડાઈ અને કાયમી નિકાલની અપેક્ષા રાખી રહી છે.
રાત્રિના અંધકારમાં ધમધમતું કાળું બજાર, સાયખા GIDC અને સારણ ગામની સીમમાં બેફામ ખનન! તંત્રની આ કાર્યવાહી તો માત્ર હિમશિલાની ટોચ સમાન છે, અસલી ખેલ તો રાતના અંધકારમાં રમાઈ રહ્યો છે. વાગરાની સાયખા GIDC તેમજ સારણ ગામની સીમ સહિતના વિસ્તારોમાં રાત્રિના સમયે બેફામ અને ગેરકાયદેસર માટી ખનનનું મસમોટું નેટવર્ક સક્રિય હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. દિવસના અજવાળે ભલે શાંતિ દેખાતી હોય, પરંતુ રાત પડતાં જ આ વિસ્તારો ભૂમાફિયાઓ માટે કમાણીનું સાધન બની જાય છે. જો તંત્ર માત્ર દિવસની દેખાડા પૂરતી કાર્યવાહી કરવાને બદલે આ વિસ્તારોમાં રાત્રિના સમયે આકસ્મિક દરોડા પાડે, તો કરોડો રૂપિયાની ગેરરીતિઓ અને મોટા માથાઓના પાપ છતાં થાય તેમ છે. હવે જોવાનું એ રહે છે કે પ્રશાસન આ રાત્રિના કાળા કારોબાર પર ક્યારે ત્રાટકે છે!
તંત્ર કરતાં માફિયાઓનું નેટવર્ક તેજ? વ્યુહાત્મક સ્થળોએ વોચર્સ ગોઠવી સરકારી ગાડીઓનું ટ્રેકિંગ? આ સમગ્ર કાળા કારોબારમાં સૌથી ચોંકાવનારી અને આંખ ઉઘાડનારી વિગત એ સામે આવી છે કે, આ ખનન માફિયાઓનું જાસૂસી નેટવર્ક સરકારી તંત્ર કરતાં પણ વધુ તેજ અને સક્રિય છે. સૂત્રો પાસેથી મળતી પાકી માહિતી મુજબ, માફિયાઓએ હાઈવેથી લઈને સીમ વિસ્તારો સુધીના અનેક મુખ્ય સ્થળો પર પોતાના ખાસ માણસો તૈનાત કરી રાખ્યા છે. આ બાતમીદારોનું કામ માત્ર સરકારી અધિકારીઓની હિલચાલ પર વોચ રાખવાનું છે. જેવી કોઈ સરકારી કે શંકાસ્પદ ગાડી પંથકમાં પ્રવેશે કે તરત જ ગણતરીની સેકન્ડોમાં ખનનના અડ્ડાઓ પર મેસેજ પાસ કરી દેવાય છે. પરિણામે, અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ આ માફિયાઓ બધું સમેટીને રફુચક્કર થઈ જાય છે. પ્રશાસનના નાકની નીચે ચાલતી આ હાઈટેક નજરબંધી એ સાબિત કરે છે કે વાગરામાં ભૂમાફિયાઓ કેટલા બેફામ અને પાવરફુલ બની ચૂક્યા છે!
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com