Geo Gujarat News

વાગરા: GIDC માં રંગીન પ્રવાહીનો રહસ્યમય કાંડ! KAY PIGMENTS પાસે કેમિકલ છોડાયું હોવાની આશંકા, GPCB હરકતમાં આવ્યું!

વાગરા તાલુકાની સાયખા GIDC માં આવેલ KAY PIGMENTS PVT. LTD. કંપનીની બાજુના વિસ્તારમાં અચાનક રંગીન પ્રવાહી જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે. ખુલ્લા વિસ્તારમાં છોડાયેલું આ રંગીન પાણી સામાન્ય છે કે તેમાં કોઈ કેમિકલ તત્વો ભળેલા છે. તે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ ઘટનાએ પર્યાવરણ અને જાહેર આરોગ્ય સંબંધિત ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થળ પર જોવા મળેલી સ્થિતિ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાતી હોવાથી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ રંગીન પ્રવાહીનો સ્ત્રોત નજીક આવેલી ઔદ્યોગિક એકમ હોઈ શકે છે. જોકે, કોઈપણ કંપનીને જવાબદાર ઠેરવતા પહેલાં વૈજ્ઞાનિક તપાસ અને સત્તાવાર અહેવાલ આવવો જરૂરી છે. ઘટનાની જાણ થતાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને રંગીન પ્રવાહીના નમૂનાઓ એકત્રિત કરી તપાસ શરૂ કરી હતી. સેમ્પલના લેબોરેટરી રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આ પ્રવાહી સામાન્ય પાણી છે કે, તેમાં પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે તેવા રાસાયણિક તત્ત્વો ભળેલા છે.જો તપાસમાં કેમિકલયુક્ત પ્રવાહી છોડાયું હોવાનું સામે આવશે તો તે માત્ર પર્યાવરણના નિયમોનો ભંગ નહીં પરંતુ આસપાસની જમીન, ભૂગર્ભ જળ અને જીવસૃષ્ટિ માટે પણ ગંભીર ખતરો સાબિત થઈ શકે છે. પર્યાવરણ કાર્યકરોનું કહેવું છે કે, આવા બનાવોમાં માત્ર નોટિસ આપીને કાર્યવાહી પૂર્ણ ન થવી જોઈએ, પરંતુ જવાબદારો સામે કડક દંડાત્મક પગલાં ભરવા જોઈએ. સ્થાનિક નાગરિકો અને જાગૃત વર્ગે માંગ કરી છે કે, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, સેમ્પલ રિપોર્ટ જાહેર કરવામાં આવે અને જો કોઈ ઔદ્યોગિક એકમની બેદરકારી સામે આવે તો તેના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. પર્યાવરણ સાથે ચેડાં કરનારાઓ સામે કડક વલણ અપનાવવું સમયની માંગ બની ગઈ છે. હાલ સમગ્ર મામલે GPCB ના તપાસ અહેવાલ પર સૌની નજર મંડાયેલી છે. હવે જોવાનું એ રહેશે કે આ રંગીન પ્રવાહી પાછળનું સાચું કારણ શું બહાર આવે છે. અને જવાબદારો સામે તંત્ર કેટલું કડક વલણ અપનાવે છે. નોંધનીય બાબત એ છે કે સાયખા GIDC વિસ્તારમાં અનેક સ્થળોએ કેમિકલયુક્ત અથવા શંકાસ્પદ રંગીન પ્રવાહીથી ભરાયેલા તળાવો જોવા મળી રહ્યા છે, જે પર્યાવરણ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યા છે. આગામી ચોમાસામાં વરસાદી પાણી સાથે આ પ્રદૂષિત પ્રવાહી આસપાસના વિસ્તારોમાં ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો સમયસર યોગ્ય તપાસ અને અસરકારક પગલાં નહીં લેવાય તો જમીન, ભૂગર્ભ જળ તેમજ સ્થાનિક પર્યાવરણ પર તેની ગંભીર અસર પડી શકે છે. તેથી તંત્ર દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!