Geo Gujarat News

આમોદ: કોલવણામાં શિક્ષણનો ઉત્સવ, પ્રવેશોત્સવે ગૂંજ્યો જ્ઞાનનો સંદેશ, જુબીલન્ટ કંપનીએ વિદ્યાર્થીઓને આપી પ્રેરણાની ભેટ!

કોલવણા શાળામાં પ્રવેશોત્સવની અનોખી ઉજવણી, વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને લંચ બોક્સની ભેટ: આમોદ તાલુકાના કોલવણા ગામમાં ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર અને પ્રેરણાદાયી વાતાવરણ વચ્ચે કરવામાં આવી હતી. કોલવણા પ્રાથમિક મિશ્ર શાળા, હાઈસ્કૂલ તેમજ બાલવાટિકામાં યોજાયેલા કાર્યક્રમમાં નવા પ્રવેશ મેળવનાર બાળકોનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાણ અને ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી નિકુલભાઈ દેસાઈના હસ્તે વિદ્યાર્થીઓને વિધિવત પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. પ્રસંગે વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોને સંબોધતા નિકુલભાઈ દેસાઈએ શિક્ષણને જીવનના સર્વાંગી વિકાસનો આધારસ્તંભ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એકાગ્રતા, સતત મહેનત અને અડગ હિંમતના બળે દરેક વિદ્યાર્થી પોતાના સપનાઓને સાકાર કરી શકે છે. સમાજના દરેક વર્ગે બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે સંયુક્ત પ્રયાસો કરવા જોઈએ તેમ જણાવતાં તેમણે ભાવુક શબ્દોમાં કહ્યું હતું કે, આજે હું ગામ અને દેશના વિકાસનો પાયાનો પથ્થર મુકવા આવ્યો છું.દીકરીઓના શિક્ષણ પર ભાર સાથે કોલવણામાં ઉજવાયો શાળા પ્રવેશોત્સવ: તેમણે વિદ્યાર્થીઓને ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, સ્વામી વિવેકાનંદ અને સુનિતા વિલિયમ્સ જેવા મહાન વ્યક્તિત્વોના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો. સાથે જ દીકરીઓના શિક્ષણને સમાજના વિકાસ માટે અનિવાર્ય ગણાવી કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન એક હૃદયસ્પર્શી અને આનંદદાયક દૃશ્ય જોવા મળ્યું હતું. ડોક્ટરનો પોશાક પહેરીને આવેલી નાનકડી બાળકી મેહરીએ જ્યારે ભૂસ્તરશાસ્ત્રી નિકુલભાઈ દેસાઈનું રમૂજી અંદાજમાં ચેકઅપ કર્યું, ત્યારે સમગ્ર કાર્યક્રમ સ્થળે હાસ્ય અને આનંદની લહેર ફરી વળી હતી. બાળકીના ભવિષ્યના સપના વિશે પૂછતાં તેણે આત્મવિશ્વાસપૂર્વક ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.નાના સપનાઓને મળી નવી પાંખો, કોલવણા શાળામાં પ્રવેશોત્સવ ઉત્સાહભેર સંપન્ન: કાર્યક્રમ દરમિયાન શાળા પ્રાંગણમાં મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યનો સંદેશ આપતાં વૃક્ષોના જતન અને સંવર્ધન માટે સૌને સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો. શિક્ષણ સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પણ વિદ્યાર્થીઓમાં સિંચન થાય તે હેતુથી યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ઉપરાંત વિલાયત સ્થિત જુબીલન્ટ કંપનીના સહયોગથી નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને લંચ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે બાળકોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શિક્ષણ પ્રત્યે જાગૃતિ, દીકરીઓના શિક્ષણના મહત્ત્વ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યેની સામૂહિક પ્રતિબદ્ધતાનો જીવંત સંદેશ આપતો બની રહ્યો હતો. કાર્યક્રમમાં વાલીઓ, ગ્રામજનો, શાળા પરિવાર, આચાર્યશ્રી, સરપંચ, તલાટી કમ મંત્રી તથા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.ગામડે-ગામડે પ્રવેશોત્સવની ધૂમ, નવા વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસભેર સ્વાગત: કોલવણા ગામ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક, ફૂલહાર અને મીઠાઈ સાથે સ્વાગત કરી તેમને શિક્ષણના પવિત્ર યજ્ઞ સાથે જોડવામાં આવ્યા હતા. શિક્ષકો, વાલીઓ અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમો દ્વારા શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો મહત્વપૂર્ણ સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!