પારખેત પંચાયત પર ભ્રષ્ટાચારના બોમ્બ, અનેક કામોમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ, જાગૃત નાગરિકે ખખડાવ્યા તંત્રના દરવાજા! ભરૂચ તાલુકાના પારખેત ગામમાં ગ્રામ પંચાયતની વિવિધ કામગીરીઓમાં કથિત ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગામના જાગૃત નાગરિકે ભરૂચ જિલ્લા કલેક્ટર સહિત અનેક સરકારી વિભાગોમાં લેખિત રજૂઆતો કરી પંચાયતની કામગીરીની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. રજૂઆતોમાં ગૌચર જમીન પર આરસીસી રોડ બનાવવાથી લઈને ગ્રામ પંચાયતના નવા મકાનના બાંધકામમાં નીચી ગુણવત્તાના મટીરિયલના ઉપયોગ સુધીના અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે.
તપાસ થશે તો જ ખુલશે સત્ય! પારખેત પંચાયત વિરુદ્ધ આક્ષેપોના વંટોળે મચાવી ચકચાર: અરજી મુજબ પારખેત ગામની ગૌચર જમીનમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ હોવા છતાં ત્યાં આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારે પંચાયત દ્વારા કરાયેલા ઠરાવો, એસ્ટિમેટ, વર્ક ઓર્ડર તથા સંબંધિત અધિકારીઓની મંજૂરી સહિતના દસ્તાવેજો જાહેર કરવાની માંગ કરી છે. ઉપરાંત એન.એ. થયેલા પ્લોટોમાં પણ પંચાયત દ્વારા રોડ, પાણીની લાઇન, સ્ટ્રીટલાઇટ જેવી સુવિધાઓ ઉભી કરાઈ હોવાના આક્ષેપ સાથે આ કામગીરી પાછળના ખર્ચ અને મંજૂરી પ્રક્રિયા અંગે પણ સવાલો ઉભા કરાયા છે. આ ઉપરાંત ગામ પંચાયતના નવા મકાનના બાંધકામમાં પણ ગંભીર ગેરરીતિઓ થઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ બાંધકામમાં વપરાતું મટીરિયલ હલકી ગુણવત્તાનું હોવાનું તથા યોગ્ય ટેક્નિકલ ધોરણોનું પાલન ન થતું હોવાના આક્ષેપો કરાયા છે. કામ દરમિયાન જરૂરી પાણીનો છંટકાવ ન થતો હોવા, યોગ્ય પ્રમાણમાં મટીરિયલનો ઉપયોગ ન થતો હોવા તેમજ ઉતાવળમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. જેના કારણે સરકારી નાણાંનો દુરુપયોગ થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ફોટા અને દસ્તાવેજો સાથે તંત્રને પડકાર, પારખેત પંચાયત સામે ગેરરીતિના ગંભીર આક્ષેપોથી ચકચાર: અત્રે મહત્વનું એ છે કે, અરજદાર દ્વારા અગાઉ પણ વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી, જેના આધારે કલેક્ટર કચેરી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને જરૂરી કાર્યવાહી કરી અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમ છતાં હજુ સુધી સંતોષકારક કાર્યવાહી ન થતા અરજદારે ફરીથી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. પારખેત ગામમાં પંચાયતની કામગીરી સામે ઉઠેલા આ ગંભીર આક્ષેપોએ સ્થાનિક સ્તરે ચર્ચા જગાવી છે. હવે જિલ્લા વહીવટીતંત્ર અને વિકાસ વિભાગ આ મામલે કેટલી ઝડપથી અને કેટલી પારદર્શક રીતે તપાસ કરે છે. તેના પર સૌની નજર મંડાઈ છે. જો રજૂઆતોમાં કરાયેલા આક્ષેપો સાચા સાબિત થાય તો ગ્રામ વિકાસના નામે સરકારી નાણાંના દુરુપયોગ અને સત્તાના દુરુપયોગનો મોટો ભંડાફોડ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
સરકારી નાણાંના દુરુપયોગની શંકા? પારખેત પંચાયત સામે ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉગ્ર બની! નોંધનીય છે, કે અરજદાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હાલ સુધી કોઈ સરકારી વિભાગ દ્વારા કરવામાં આવી નથી. અને આ સમગ્ર મામલો તંત્રની તપાસનો વિષય છે. તેમ છતાં અરજદારે વિવિધ ફોટોગ્રાફ્સ, દસ્તાવેજો અને લેખિત રજૂઆતો સાથે કલેક્ટર કચેરી સહિત અનેક સરકારી વિભાગોનું ધ્યાન આ મુદ્દા તરફ દોરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને ચકચાર મચી છે. ગૌચર જમીન પર થયેલી કામગીરી, આર.સી.સી. રોડના નિર્માણ અને ગ્રામ પંચાયતના નવા મકાનના બાંધકામમાં ગેરરીતિઓ થઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે અરજદારે નિષ્પક્ષ, તટસ્થ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠાવી છે. સાથે જ જો તપાસમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા, સત્તાનો દુરુપયોગ કે સરકારી નાણાંના ગેરવપરાશના તથ્યો બહાર આવે તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી છે. હવે સમગ્ર મામલે વહીવટી તંત્ર શું પગલાં ભરે છે અને તપાસમાં શું હકીકતો બહાર આવે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com