ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત વાગરા પોલીસે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. નબીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ, મારામારી અને દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં છેલ્લા છ મહિનાથી ફરાર રહેલા આરોપીને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અનુસંધાને દહેજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. ગોહિલના નેતૃત્વમાં વિશેષ ટીમ કાર્યરત હતી.
તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નબીપુર પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ અને છેલ્લા છ મહિનાથી ફરાર ચાલતો આરોપી જીવણભાઈ રાદુભાઈ ભુરીયા (ઉંમર 42 વર્ષ) પોતાના વતન ઝરીયાપાડા ગામ, તા. થાંદલા, જી. ઝાબુઆ (મધ્યપ્રદેશ) ખાતે હાજર છે. બાતમીના આધારે વાગરા પોલીસની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મધ્યપ્રદેશ પહોંચી આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. આરોપી સામે નબીપુર પોલીસ સ્ટેશનમાં અપહરણ, મારામારી તથા દુષ્કર્મ સહિતના ગંભીર ગુનાઓ હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો મુજબ ગુનો નોંધાયેલ છે. ધરપકડ બાદ આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે નબીપુર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે. પોલીસની આ સફળ કામગીરીમાં અ.હે.કો હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ અને સુરેશજી હેમરાજી સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહેલા આરોપીની ધરપકડ થતાં કેસની તપાસને વધુ વેગ મળશે તેમજ પીડિતાને ન્યાય અપાવવામાં મદદરૂપ બનશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com