Geo Gujarat News

વાગરા: સાયખા GIDCમાં સુરક્ષાની ગંભીર બેદરકારીનો ભોગ બન્યો શ્રમિક? નીક્સન ફાર્માસ્યુટીકલમાં લિફ્ટમાંથી પટકાતા મધ્યપ્રદેશના કામદારનું કરુણ મોત, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉગ્ર બની!

ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓ વચ્ચે કરુણ ઘટના, નીક્સન ફાર્માસ્યુટીકલમાં લિફ્ટ દુર્ઘટનાએ લીધો કામદારનો જીવ! વાગરા તાલુકાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી નીક્સન ફાર્માસ્યુટીકલ કંપનીમાં બનેલી એક ગંભીર દુર્ઘટનાએ ઔદ્યોગિક સુરક્ષા વ્યવસ્થાઓ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. કંપનીમાં કામ કરતા મધ્યપ્રદેશના મૂળ વતની અને હાલ શ્રમિક તરીકે ફરજ બજાવતા 54 વર્ષીય રાજેશ મેહરા રામપ્રતાબનું લિફ્ટના શાફ્ટમાં પટકાતા કરુણ મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતક અન્ય કામદારો સાથે કંપનીના બીજા માળેથી પ્લાસ્ટિકના ખાલી બેરલો લિફ્ટ મારફતે નીચે ઉતારવાનું કામ કરી રહ્યા હતા. દરમિયાન લિફ્ટનો દરવાજો ખોલી બેરલ અંદર મૂકવાની કામગીરી કરતી વખતે તેઓ અજાણતા લિફ્ટના અંદરના ભાગમાં પડી જતા સીધા નીચે પટકાયા હતા. ગંભીર ઇજાઓને કારણે તેમનું કરુણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ માત્ર એક પરિવારનો આશરો છીનવી લીધો નથી, પરંતુ ઔદ્યોગિક એકમોમાં અમલમાં હોવી જોઈએ તેવી સુરક્ષા વ્યવસ્થાઓ પર પણ ગંભીર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. જો લિફ્ટ કાર્યરત સ્થિતિમાં ન હતી. અથવા તે માળે હાજર ન હતી, તો દરવાજો કેવી રીતે ખુલ્લો રહ્યો? લિફ્ટના શાફ્ટ પાસે જરૂરી સેફ્ટી લોક, સેન્સર અને સુરક્ષા ઉપકરણો કાર્યરત હતા કે નહીં? શું કંપની દ્વારા કામદારોને પૂરતી સુરક્ષા તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું? આવા અનેક સવાલોના જવાબ હવે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.લિફ્ટનો દરવાજો ખુલ્લો કેવી રીતે રહ્યો? નીક્સન ફાર્માસ્યુટીકલમાં કામદારના મોત બાદ અનેક સવાલો ઉભા થયા! બનાવ અંગે મહાવીર હરીરામ માલવીયાએ વાગરા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જોકે માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી પૂર્ણ થઈ જાય એટલું પૂરતું નથી. સમગ્ર ઘટનાની ટેક્નિકલ અને સેફ્ટી દ્રષ્ટિએ ઊંડાણપૂર્વક તપાસ કરવી અત્યંત જરૂરી બની છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટર, DISH વિભાગ અને સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા કંપનીમાં અમલમાં રહેલી સુરક્ષા વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી કોઈ બેદરકારી કે નિયમભંગ સામે આવે તો જવાબદાર અધિકારીઓ અને કંપની સામે કડક તથા દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. સ્થાનિક લોકો અને શ્રમિક વર્ગમાં પણ આ ઘટનાને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે. ઔદ્યોગિક વિકાસના દાવાઓ વચ્ચે જો કામદારોની સુરક્ષા જ જોખમમાં મુકાતી હોય તો તે અત્યંત ગંભીર બાબત ગણાય. શુ એક શ્રમિકનું જીવન કોઈપણ ઉત્પાદન કે નફા કરતાં વધુ મૂલ્યવાન છે? તેથી આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેમજ મૃતકના પરિવારને યોગ્ય અને પૂરતું આર્થિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ જોર પકડી રહી છે. હવે સૌની નજર તપાસ એજન્સીઓ અને ફેક્ટરી સુરક્ષા વિભાગની કાર્યવાહી પર ટકેલી છે, કે આ દુર્ઘટના પાછળ માત્ર અકસ્માત હતો કે, પછી સુરક્ષાની ઘોર બેદરકારી છુપાયેલી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!