Geo Gujarat News

આમોદમાં મોહરમની આસ્થા અને અકીદતનો મહામેળો, યા હુસૈનના ગુંજતા નાદ વચ્ચે ભવ્ય તાજિયા જુલૂસ, કોમી એકતાનું પ્રેરણાદાયી દૃશ્ય સર્જાયું

આમોદ શહેરમાં ઇસ્લામ ધર્મના પવિત્ર મોહરમ માસ નિમિત્તે શ્રદ્ધા, અકીદત અને ભાઈચારાના અનોખા માહોલ વચ્ચે ભવ્ય તાજિયા જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળેલા આકર્ષક અને ભવ્ય તાજિયાઓ યા હુસૈનના ગુંજતા નાદ સાથે નિર્ધારિત માર્ગો પરથી પસાર થઈ તિલક મેદાન ખાતે પહોંચ્યા હતા.હજારો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિએ સમગ્ર શહેરમાં ધાર્મિક આસ્થા અને એકતાનું જીવંત દૃશ્ય સર્જ્યું હતું. મોહરમના પ્રથમ ચાંદથી દસમા ચાંદ સુધી હઝરત ઈમામ હુસૈન અને કરબલાના શહીદોની યાદમાં રોજા, ઇબાદત, મજલિસ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દસમા દિવસે નીકળેલા ભવ્ય તાજિયા જુલૂસમાં યુવાનો, મહિલાઓ, વડીલો તેમજ બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને શ્રદ્ધાભાવપૂર્વક પોતાની આસ્થા વ્યક્ત કરી હતી.જુલૂસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિવિધ સ્થળોએ પોલીસ જવાનો તૈનાત રહી સમગ્ર કાર્યક્રમનું સુચારુ અને શાંતિપૂર્ણ સંચાલન કર્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમ કોઈ અનિચ્છનીય બનાવ વિના સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગે શહેરના હિન્દુ સમાજના લોકોએ પણ તાજિયાના દર્શન કરી કોમી એકતા, પરસ્પર સદભાવ અને ભાઈચારાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ધાર્મિક વિવિધતા વચ્ચે એકતાનો આ સંદેશ શહેરની સામાજિક સમરસતાને વધુ મજબૂત બનાવતો જોવા મળ્યો હતો. અંતે તિલક મેદાન ખાતે પરંપરાગત વિધિ અનુસાર તાજિયાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શ્રદ્ધાળુઓને તબરુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ભાવના, શાંતિ અને સૌહાર્દના માહોલમાં સંપન્ન થતાં આમોદ શહેરમાં આસ્થા, ભાઈચારો અને કોમી એકતાનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!