Geo Gujarat News

આમોદ નગરપાલિકાની ઘોર બેદરકારી, આઈ લવ આમોદના બોર્ડ નીચે જ ગંદકીનું સામ્રાજ્ય, તંત્રના સ્વચ્છતાના દાવાઓ માત્ર કાગળ પર?

આમોદ નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતા ફરી એકવાર ચર્ચાના ચગડોળે ચડી છે. શહેરના આછોદ રોડ ચાર રસ્તા પાસે જે આઈ લવ આમોદનું સેલ્ફી પોઇન્ટ સમાન બોર્ડ મુકવામાં આવ્યું છે. જે વાસ્તવમાં શહેરની સુંદરતા અને ગરિમાનું પ્રતીક હોવું જોઈએ તેની જ બરોબર નીચે ગંદકી અને કચરાના વિશાળ ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે.સ્થાનિક મીડિયા દ્વારા અગાઉ પણ આ શરમજનક પરિસ્થિતિ અંગે અહેવાલો પ્રકાશિત કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમ છતાં સત્તાધીશોના પેટનું પાણી હલ્યું નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવીને દેશભરમાં સ્વચ્છતાનો આગ્રહ રાખે છે, ત્યારે આમોદમાં તેની ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહી છે.માત્ર ફોટા પડાવવા, પ્રચાર કરવા કે ફેન્સી બોર્ડ લગાવી દેવાથી શહેર સ્વચ્છ નથી બની જતું; તેના માટે ગ્રાઉન્ડ લેવલ પર સતત અને જવાબદારીપૂર્વક કામ કરવું પડે છે, જેનો આમોદ નગરપાલિકામાં સર્વથા અભાવ વર્તાઈ રહ્યો છે. મુખ્ય માર્ગ અને શહેરના હાર્દ સમાન સ્થળની જો આવી બદતર હાલત હોય, તો આમોદના આંતરિક વિસ્તારોની નરકાગાર જેવી સ્થિતિની કલ્પના જ ધ્રુજાવી મૂકે તેવી છે.આ ગંભીર અને અસહ્ય પરિસ્થિતિ પર આકરા પ્રહારો કરતા આમ આદમી પાર્ટીના પ્રમુખ રિયાઝ દરબારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની મિલીભગત અને સત્તાલાલસાને ખુલ્લી પાડી છે. તેમણે તીખા શબ્દોમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ અને ભાજપ બંને માસી-માસીના દીકરા છે. અહીં તો ભૂત ગયું ને પલિત આવ્યું જેવો ઘાટ સર્જાયો છે. સત્તા બદલાય છે પરંતુ આમોદના કમનસીબ નગરજનોનું નસીબ અને તેમની પાયાની સમસ્યાઓ ક્યારેય બદલાતી નથી. જ્યારે ભાજપ સત્તામાં હતી ત્યારે ગંદકીના મુદ્દે મોટા મોટા વિરોધ પ્રદર્શનો કરીને હોબાળો મચાવનારા કોંગ્રેસના નેતાઓ આજે પોતે સત્તાના સિંહાસન પર બેઠા હોવા છતાં આ ગંદકીના સામ્રાજ્ય સામે રહસ્યમય મૌન ધારણ કરીને બેઠા છે. શું સત્તાની ખુરશી મળતા જ જનતાના પ્રશ્નો અને આક્રોશ ભૂલાઈ જાય છે? તેવો વેધક સવાલ આજે જનતા પૂછી રહી છે. હાલમાં આમોદના જાગૃત નાગરિકોમાં સ્થાનિક વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પદાધિકારીઓ સામે ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકોની સ્પષ્ટ માંગ છે કે જવાબદાર અધિકારીઓ અને નેતાઓ એસી ચેમ્બરોમાંથી બહાર નીકળે અને તાત્કાલિક ધોરણે આ ગંદકી દૂર કરાવીને સ્વચ્છતા જાળવવા માટે કડક અને કાયમી નિકાલની વ્યવસ્થા ઊભી કરે. જો વહેલી તકે કોઈ ન નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આઈ લવ આમોદનું બોર્ડ માત્ર એક મજાક બનીને રહી જશે અને તેની નીચે દેખાતી ગંદકી આમોદ તંત્રની સંપૂર્ણ વહીવટી નિષ્ફળતાની જીવતી-જાગતી સાક્ષી પૂરતી રહેશે. હવે જોવાનું એ રહે છે કે આ બબાલ બાદ પણ તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે છે કે પછી જનતાને આ નરકાગારમાં જ જીવવા માટે મજબૂર છોડી દેવાય છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!