ભરૂચ: જિલ્લાના સૌથી મોટા સરકારી આરોગ્ય કેન્દ્ર ગણાતી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટેની મૂળભૂત સુવિધાઓ જ ખોરવાઈ ગઈ હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. રોજ હજારો દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં પહોંચતા હોવા છતાં શૌચાલયોની દયનીય સ્થિતિ, ગંદકીનું સામ્રાજ્ય અને અપૂરતી વ્યવસ્થાના કારણે દર્દીઓ તેમજ તેમના સ્વજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. આક્ષેપ મુજબ હોસ્પિટલમાં મહિલા અને પુરુષ દર્દીઓ માટે માત્ર એક જ સામાન્ય વોશરૂમ ઉપલબ્ધ હોવાથી બંનેને એક જ શૌચાલયનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. મહિલાઓની સુરક્ષા અને ગોપનીયતા જેવા અત્યંત મહત્વના મુદ્દાઓ પ્રત્યે હોસ્પિટલ તંત્ર બેદરકાર હોવાનું કહેવાઈ રહ્યું છે. ઉપરાંત વોશરૂમમાં સફાઈનો અભાવ હોવાથી ચેપજન્ય રોગો ફેલાવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. બીજી તરફ સારવાર માટે આવતા દર્દીઓ, ખાસ કરીને સિનિયર સિટીઝનોને 2થી 3 કલાક સુધી લાંબી રાહ જોવી પડતી હોવાના આક્ષેપો પણ થયા છે. વયસ્કો, મહિલાઓ અને દિવ્યાંગો માટે કોઈ અલગ અથવા પ્રાથમિક સુવિધા ન હોવાને કારણે દર્દીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
યુવા કોંગ્રેસના ભરૂચ ઉપપ્રમુખ પટેલ ઈમ્તિયાજે હોસ્પિટલની હાલત પર કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, જો આગામી 7 દિવસમાં હોસ્પિટલ તંત્ર ગંદકી દૂર કરી શૌચાલયોની યોગ્ય સફાઈ, મહિલાઓ માટે અલગ અને સુરક્ષિત વોશરૂમ તેમજ દર્દીઓને અનુકૂળ સુવિધાઓ ઉપલબ્ધ નહીં કરાવે, તો યુવા કોંગ્રેસ પ્રજાના હક અને ન્યાય માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી જવાબદાર અધિકારીઓને જાગૃત કરવાની લડત શરૂ કરશે. ભરૂચ સિવિલ હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ સરકારી આરોગ્ય સંસ્થામાં આવી બેદરકારીના આક્ષેપો સામે આવતા હવે આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ તંત્ર ક્યારે જાગશે અને દર્દીઓને માનવસહજ સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે કે કેમ, તેના પર સૌની નજર મંડાઈ છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી શૌચાલયોની નિયમિત અને ગુણવત્તાસભર સફાઈ સુનિશ્ચિત કરવી, મહિલા અને પુરુષો માટે અલગ-અલગ સ્વચ્છ વોશરૂમની વ્યવસ્થા ઊભી કરવી, સિનિયર સિટીઝન, દિવ્યાંગ અને મહિલાઓ માટે પ્રાથમિક સારવાર તથા અલગ કાઉન્ટરની સુવિધા શરૂ કરવી તેમજ દર્દીઓની ભીડને ધ્યાનમાં રાખીને સ્ટાફ અને બેઠકોની સંખ્યા વધારવી જરૂરી બની છે. ઉપરાંત હોસ્પિટલ તંત્ર દ્વારા ફરિયાદ નિવારણ વ્યવસ્થા વધુ અસરકારક બનાવી દર્દીઓને સમયસર અને સન્માનજનક સેવા મળે તે માટે કડક દેખરેખ રાખવામાં આવે, તે સમયની માંગ બની છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com