ભરૂચ જિલ્લાના દહેજ–આમોદ માર્ગ પર આવેલી ગોલાદરા ચોકડી ખાતે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં બદલપુર ગામના એક યુવાને જીવ ગુમાવતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અકસ્માતની ઘટનાએ માર્ગ સલામતી અને તંત્રની બેદરકારી સામે ફરી અનેક સવાલો ઊભા કર્યા છે. મળતી માહિતી મુજબ બદલપુર ગામના રહેવાસી વિનોદભાઈ વસાવા રોજિંદા કામકાજ માટે બાઇક પર નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ ગોલાદરા ચોકડી નજીક પહોંચ્યા ત્યારે સામેથી આવી રહેલા ટેન્કર સાથે તેમની બાઇકની જોરદાર ટક્કર થઈ હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે વિનોદભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી અને વધુ રક્તસ્રાવ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેમજ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ગોલાદરા ચોકડી છેલ્લા ઘણા સમયથી અકસ્માતપ્રવણ સ્થળ તરીકે ઓળખાઈ રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે માર્ગની ખરાબ હાલત, જોખમી વળાંક, પૂરતા ચેતવણી બોર્ડનો અભાવ અને વાહનોની બેફામ ગતિને કારણે અહીં વારંવાર જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અનેક વખત રજૂઆતો છતાં તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં ન આવતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ તાજી દુર્ઘટનાએ ફરી એકવાર જવાબદાર તંત્રની કામગીરી સામે પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. સ્થાનિકોની માંગ છે કે ગોલાદરા ચોકડી પર તાત્કાલિક માર્ગનું સમારકામ, સ્પીડ બ્રેકર, પ્રતિબિંબિત સાઇનેજ, સ્ટ્રીટ લાઇટ તથા અન્ય જરૂરી સલામતીના ઉપાયો અમલમાં મૂકવામાં આવે, જેથી વધુ નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com