Geo Gujarat News

વડોદરા: સાવલી તાલુકા જમીન દફતર કચેરીમાં સરકારી બાબુઓની મનમાની? ઓફિસ ટાઈમે ખુરશીઓ ખાલી, પ્રજાને ધક્કા ખાવાનો વારો?

પ્રજાને ધક્કા, બાબુઓને મોજ! સાવલી જમીન દફતર કચેરીમાં સરકારી ફરજનું ઉડાડાયું ધજાગરું? વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સરકાર દ્વારા પ્રજાને તાલુકા કક્ષાએ જ ઝડપી અને સરળ સેવાઓ મળી રહે તે હેતુથી તાલુકા જમીન દફતર નિરીક્ષકની કચેરી કાર્યરત કરવામાં આવી છે. પરંતુ સરકારની આ લોકહિતની પહેલ પર કેટલાક બેદરકાર સરકારી બાબુઓ પાણી ફેરવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે, કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓ નિયમિત સમયે હાજર રહેતા નથી અને મનફાવે ત્યારે ઓફિસમાં આવી મનફાવે ત્યારે જ નીકળી જતા હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. મળતી માહિતી મુજબ, ઓફિસના નિર્ધારિત સમય દરમિયાન કચેરીની મુલાકાત લેતા ત્યાં અધિકારીઓની ખુરશીઓ ખાલી જોવા મળી હતી, જ્યારે માત્ર પટ્ટાવાળા કર્મચારી જ હાજર હોવાનું વીડિયોમાં પણ જોવા મળ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. પરિણામે દૂર-દૂરથી પોતાના કામકાજ માટે આવતા અરજદારોને નિરાશ થઈ પરત ફરવું પડે છે. અને સરકારી સેવાઓ માટે ધક્કા ખાવાનો વારો આવે છે. પ્રશ્ન એ છે કે જ્યારે સરકાર લોકોના દરવાજા સુધી સેવા પહોંચાડવાની વાત કરે છે, ત્યારે કેટલાક કર્મચારીઓ પોતાની ફરજ પ્રત્યે આટલા બેદરકાર કેમ બની જતા હોય છે?સરકારી પગાર…પણ ફરજથી પલાયન? સાવલી જમીન દફતર કચેરીના બાબુઓ સામે ગંભીર આક્ષેપો! સાવલી પંથકમાં હવે લોકચર્ચા એ છે કે સરકારના પરિપત્રો અને સેવા સંબંધિત નિયમો માત્ર કાગળ પૂરતા જ રહી ગયા છે કે શું? જો અધિકારીઓ સમયસર હાજર જ ન રહે અને ઓફિસ સમય પૂર્ણ થાય તે પહેલાં જ કચેરી છોડી દેતા હોય, તો પ્રજાને ન્યાય કોણ અપાવશે? આવી બેદરકારીથી સરકારની છબી પણ ખરડાઈ રહી છે. અને સામાન્ય નાગરિકોમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે. જાગૃત નાગરિકોએ જિલ્લા વહીવટી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સરકારની લોકહિતની યોજનાઓને કેટલાક બેદરકાર કર્મચારીઓ પોતાની મનમાનીથી નિષ્ફળ બનાવી રહ્યા હોય તો આવી વૃત્તિ સામે કડક પગલાં લેવાનો સમય હવે આવી ગયો છે.સરકારના આદેશોને ખુલ્લેઆમ પડકાર? સાવલી જમીન દફતર કચેરીમાં ઓફિસ ટાઈમે અધિકારીઓ ગાયબ! જો ખરેખર સાવલી તાલુકા જમીન દફતર કચેરીમાં ફરજ દરમિયાન અધિકારીઓ ગેરહાજર રહેતા હોય અને સરકારી સમયનું પાલન ન કરતા હોય, તો જિલ્લા કલેક્ટર, જિલ્લા જમીન દફતર અધિકારી અને રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સમગ્ર મામલે તાત્કાલિક તપાસના આદેશ આપી જવાબદાર અધિકારીઓ સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવી જોઈએ. કચેરીમાં બાયોમેટ્રિક હાજરી ફરજિયાત બનાવવી, અચાનક નિરીક્ષણો હાથ ધરવા અને ફરજમાં બેદરકારી દાખવનાર અધિકારીઓ/કર્મચારીઓ સામે સસ્પેન્શન સહિતના કડક પગલાં લેવા જરૂરી છે. સરકારી કચેરીઓ કોઈ અધિકારીની ખાનગી મિલકત નથી; તે પ્રજાની સેવા માટે છે. કરદાતાઓના પૈસાથી પગાર લેતા કર્મચારીઓ પ્રજાને સમયસર અને પારદર્શક સેવા આપે તે સુનિશ્ચિત કરવું તંત્રની પ્રથમ જવાબદારી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!