વાગરા તાલુકાના વિછિયાદ ગામમાંથી સરકારી તંત્રની અક્ષમ્ય નિષ્ક્રિયતા અને ઘોર બેદરકારીનો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત ૨ જુલાઈના રોજ ગામના તળાવમાં હજારોની સંખ્યામાં માછલાંના રહસ્યમય અને સામૂહિક મોત થતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. ઘટનાની ભયાવહતા જોતા ગામના આગેવાન પ્રદીપસિંહ યાદવે તાત્કાલિક સ્થાનિક તલાટી અને સરપંચને વાકેફ કર્યા હતા, જેમણે ફરજના ભાગરૂપે વાગરા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આ કટોકટી અંગે તાકીદે લેખિતમાં જાણ કરી હતી. પરંતુ અત્યંત આઘાતજનક બાબત એ છે કે, આટલી મોટી પર્યાવરણીય હોનારત અને જાહેર આરોગ્યના જોખમ છતાં બે-બે દિવસ સુધી એક પણ સરકારી અધિકારી ઘટના સ્થળે ફરકવાની તસ્દી સુદ્ધાં લીધી ન હોતી. તંત્રની આ અમાનવીય સુસ્તીને કારણે તળાવમાં માછલાં સડવા લાગ્યા હતા, જેનાથી સમગ્ર ગામમાં અસહ્ય અને માથું ફાડી નાખે તેવી દુર્ગંધ પ્રસરી ગઈ હતી. અને રોગચાળો ફાટી નીકળવાની ગંભીર ભીતિ સર્જાઈ હતી.
તંત્રના પાપે નિર્દોષ ગ્રામજનોના માથે તોળાતા આરોગ્યના સંકટને જોઈને આખરે ગામના આગેવાન પ્રદીપસિંહ યાદવે માનવતા દાખવી પોતાના સ્વખર્ચે જેસીબી અને ટ્રેક્ટર બોલાવી મોટો ખાડો ખોદાવ્યો હતો. અને આ દુર્ગંધ મારતા મૃત માછલાંઓનો નિકાલ કરવાની ફરજ પડી હતી. સ્થાનિક વહીવટી તંત્ર જ્યારે લાજવાને બદલે ગાજતું રહ્યું, ત્યારે મીડિયામાં આ આંધળા-બહેરા તંત્ર સામે સમાચાર વાયરલ થતાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઊંઘ ઉડી હતી અને તેમની ટીમ દોડતી-દોડતી ઘટના સ્થળે પહોંચી હતી. GPCB ની ટીમે મોડે મોડે પાણીના નમૂના લઈ તપાસ અર્થે મોકલ્યા છે. સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે કે તળાવમાં કોઈ અસામાજિક તત્વો કે સંસ્થા દ્વારા પ્રતિબંધિત સરકારી દવાઓનો મોટો જથ્થો ફેંકીને પાણીને ઝેરીલું બનાવી દેવાયું છે. ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે પ્રચંડ રોષ વ્યાપેલો છે. અને તેઓ માંગ કરી રહ્યા છે કે, માત્ર કાગળ પર તપાસના નાટક કરવાને બદલે, આ અબોલ જીવોની સામૂહિક હત્યા કરનારા અને ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ગુનેગારોની સાથે-સાથે બે દિવસ સુધી હાથ પર હાથ ધરીને બેસી રહેલા નકામા અધિકારીઓ સામે પણ કડક અને દાખલારૂપ કાનૂની પગલાં ભરવામાં આવે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com