UC Colours કંપની બહાર રંગીન પાણીના તળાવો! કડક કાર્યવાહી જ સમસ્યાનો ઉકેલ! વાગરા તાલુકાની સાયખા GIDC વિસ્તારમાં ફરી એકવાર પ્રદૂષણને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. MR ચોકડી નજીક આવેલી UC Colours & Intermediates Pvt. Ltd. કંપનીની બહાર રસ્તા અને કંપનીની દીવાલને અડીને કલરયુક્ત પાણીનો ભરાવો નજરે પડતા સ્થાનિકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે. કંપનીની બહાર જ અલગ-અલગ સ્થળોએ રંગીન પાણીના તળાવો જોવા મળતા સમગ્ર ઘટનાએ ચિંતા વધારી છે. પ્રાથમિક રીતે એવું કહી શકાય નહીં કે આ કલરયુક્ત પાણી કંપનીમાંથી જ બહાર આવ્યું છે કે નહીં. તેમજ વરસાદની આડમાં કોઈ પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું છે કે કેમ, તે સંપૂર્ણપણે તપાસનો વિષય છે. કોઈપણ પ્રકારની પુષ્ટિ કર્યા વિના માત્ર ઘટનાસ્થળે દેખાતી સ્થિતિના આધારે સંબંધિત તંત્ર દ્વારા તટસ્થ અને વૈજ્ઞાનિક તપાસ કરવી અત્યંત જરૂરી બની છે. સૌથી મોટો પ્રશ્ન હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભૂમિકા પર ઊભો થયો છે. શું GPCB સ્થળ પર પહોંચી પાણીના નમૂનાઓ લઈ સત્ય બહાર લાવશે? જો આ પાણી ઔદ્યોગિક પ્રદૂષણ હોવાનું સાબિત થાય તો જવાબદાર સામે કડક કાર્યવાહી થશે કે પછી અગાઉની જેમ મામલો ઠંડા બસ્તામાં જતો રહેશે? સ્થાનિકો હવે પારદર્શક તપાસ અને કાયદેસરની કાર્યવાહી ની માંગ કરી રહ્યા છે, જેથી હકીકત સામે આવે અને પર્યાવરણ સાથે કોઈપણ પ્રકારનું ચેડાં કરનાર સામે કડક પગલાં લેવામાં આવે.
પ્રદૂષણ સામે હવે ઝીરો ટોલરન્સનો સમય આવી ગયો! દાખલારૂપ કાર્યવાહી જરૂરી! જો આ કલરયુક્ત પાણી ઔદ્યોગિક પ્રદૂષણ હોવાનું સાબિત થાય તો જવાબદાર સામે માત્ર નોટિસો આપીને ઔપચારિકતા પૂર્ણ ન કરવી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ કાયદા હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી, ગુનો નોંધવાની કાર્યવાહી તથા જરૂરી હોય તો એકમનું સંચાલન સ્થગિત કરવા જેવા પગલાં ભરવા જોઈએ. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમગ્ર તપાસનો અહેવાલ જાહેર કરીને દોષિતોને બચાવવાનો કોઈ પણ પ્રયાસ ન કરે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે નિયમિત મોનિટરિંગ, અચાનક નિરીક્ષણ અને કડક અમલવારી સુનિશ્ચિત કરે. પર્યાવરણ અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવી હવે સમયની માંગ છે.
આ પણ વાંચો: સાયખામાં કાળા ધુમાડાથી ગૂંગળાયું આકાશ, GPCB હવે શું કાર્યવાહી કરશે?
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com