Geo Gujarat News

વાગરા: કેમિકલના ઝેરી તળાવો અને મોતના મોંમાં શ્રમિકો? જુઓ સાયખા GIDC ના પ્લોટ C-58 નો ચોંકાવનારો અહેવાલ!

GIDC માં કલરયુક્ત પાણીના તળાવો અને કેમિકલ વેસ્ટનું સામ્રાજ્ય? વાગરા તાલુકાની સાયખા GIDC હવે જાણે ઉદ્યોગોના નામે ગુનાખોરી અને પર્યાવરણીય આતંકનું એપીસેન્ટર બની ગઈ છે. પ્લોટ નંબર C-58 માં જે ધંધો ચાલી રહ્યો છે, તેને બેદરકારી કહેવી એ કાયદાનું અપમાન છે, આ રીતસરનો આયોજિત ગુનો છે! કોઈ કાનૂની કાર્યવાહીના ડર વગર, કંપનીનું સ્પષ્ટ નામ દર્શાવતું કોઈ બોર્ડ સુદ્ધાં મારવાની તસ્દી લેવાઈ નથી. પરંતુ અંદરખાનેથી બહાર આવેલું નામ MS INDUSTRIES છે. આ કંપનીના માલિકોની જોહુકમી એટલી હદે ફાટીને ધુમાડે ગઈ છે કે તેમણે બાજુના આખે-આખા પ્લોટને કલરયુક્ત ઘાતક કેમિકલના ઝેરી તળાવમાં ફેરવી નાખ્યો છે. આ કલરયુક્ત પ્રવાહી આજ કંપનીએ છોડ્યું હશે તે ચોક્કસ તો ન કહી શકાય પરંતુ બાજુમાં અન્ય કોઈ કંપની ન હોવાને કારણે આ એક ગંભીર તપાસનો વિષય બન્યો છે. આ લાલ-પીળા પાણીના તળાવો સ્થાનિક જનતાના સ્વાસ્થ્ય અને ભૂગર્ભ જળની કબર ખોદી રહ્યા છે.ખુલ્લેઆમ ફેંકાતો કેમિકલ વેસ્ટ અને કન્સ્ટ્રક્શનમાં ઘોર બેદરકારી. ગુનાહિત માનસિકતા અહીં જ નથી અટકતી, કાવતરાના પુરાવા રૂપે અહીં નાની સાઈઝમાં પેક કરેલી કોઈ રહસ્યમય દવાઓ કે જીવલેણ કેમિકલનો મોટો વેસ્ટ જથ્થો લાવારિસ કચરાની જેમ ફેંકી દેવાયો છે. શું આ કંપની કોઈ ગેરકાયદેસર પદાર્થ કે પ્રતિબંધિત કેમિકલનું પ્રોડક્શન કરી રહી છે? આ સવાલ એટલા માટે ઉભો થાય છે, કારણ કે અહીં બધું જ પડદા પાછળ ચાલે છે. એટલું જ નહીં, આ જ પ્લોટમાં ચાલી રહેલા બાંધકામમાં ગરીબ શ્રમિકોના લોહીની હોળી ખેલાઈ રહી છે. કોઈ સેફટી બેલ્ટ નહીં, કોઈ નેટ નહીં, કોઈ હેલ્મેટ નહીં, શ્રમિકોને રીતસર કાળના મોંમાં, ઊંચાઈ પર લટકાવી દેવાયા છે. નફાખોરીની ભૂખમાં આ કંપની શ્રમિકોને માણસ નહીં પણ મશીન સમજીને તેમની જિંદગી જુગાર પર લગાવી રહી છે?નિયમોને ઘોળીને પી જતી કંપનીઓ પર એક્શન ક્યારે? સૌથી મોટો અને સણસણતો સવાલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને સ્થાનિક વહીવટી તંત્રના મોઢા પર છે. કાયદાના ડંડા પછાડતા આ સરકારી બાબુઓ ઉદ્યોગપતિઓના એરકન્ડિશન્ડ કેબિનોમાં કયું સેટિંગ કરીને બેઠા છે? આંખની સામે ઝેરી તળાવો ભરાયેલા હોવા છતાં તંત્રને કેમ કંઈ દેખાતું નથી? શું આ એજન્સીઓ કંપનીના માલિકોના પગારદાર ગુલામ તરીકે કામ કરી રહી છે? જો આ તંત્રમાં સહેજ પણ નૈતિકતા બચી હોય, તો તાત્કાલિક ધોરણે આવા બેફામ બનેલા કંપનીના માલિકોના કોલર પકડીને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. જનતા હવે આ આંધળા અને બહેરા તંત્રના તમાશાને સહન કરવાના મૂડમાં નથી!નિષ્પક્ષ તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય! પ્રસ્તુત અહેવાલ સ્થાનિક સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી, પ્રત્યક્ષ દ્રશ્યો અને આશંકાઓના આધારે જનહિતમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ બાબતે સત્યતા અને કોઈપણ પ્રકારની ગેરરીતિની સત્તાવાર પુષ્ટિ સંબંધિત સરકારી એજન્સીઓ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનારી તટસ્થ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!