Geo Gujarat News

આમોદ: ઢાઢર નદીમાં સેંકડો માછલાંના મોત, બે દિવસ સુધી તંત્ર ઊંઘતું રહ્યું? પર્યાવરણની ગંભીર દુર્ઘટના સામે જવાબદારીથી ભાગતું વહીવટી તંત્ર સવાલોના ઘેરાવમાં!

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં સેંકડો માછલાંના રહસ્યમય મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ઘટનાની જાણ બે દિવસથી હોવા છતાં સંબંધિત વિભાગોના જવાબદાર અધિકારીઓ સમયસર સ્થળ પર ન પહોંચ્યા હોવાના આક્ષેપ સાથે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અબોલ જીવોના ઢગલાબંધ મોત છતાં તાત્કાલિક બચાવ, સફાઈ કે અસરકારક કાર્યવાહી ન થતાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે અનેક સવાલો ઊભા થયા છે. હવે લોકો માત્ર તપાસની જાહેરાતોથી સંતોષ માનવા તૈયાર નથી, પરંતુ આ સમગ્ર ઘટનામાં જવાબદારી નક્કી કરી દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉગ્ર બની છે. હાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઢાઢર નદીમાં કોઈ ઝેરી રસાયણ, ઔદ્યોગિક પ્રદૂષણ અથવા અન્ય હાનિકારક પદાર્થ ભળ્યો છે કે નહીં? તેનું સાચું કારણ માત્ર વૈજ્ઞાનિક અને નિષ્પક્ષ તપાસથી જ બહાર આવી શકે. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી થઈ હોત તો કદાચ નુકસાનનું પ્રમાણ ઓછું થઈ શકત. હવે દુર્ગંધ, પાણીના પ્રદૂષણ અને સંભવિત રોગચાળાના જોખમને લઈને પણ ચિંતા વધી રહી છે. આ ઘટનાની અસર ખેતી, પશુપાલન, જળચર જીવસૃષ્ટિ તેમજ સ્થાનિક લોકોના આરોગ્ય પર પડી છે કે નહીં તેની પણ તાત્કાલિક તપાસ થવી જરૂરી બની છે.ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવે માત્ર પાણીના નમૂના લેવાથી કે કાગળ પરની કાર્યવાહીથી કામ નહીં ચાલે. સમગ્ર ઘટનાની સમયબદ્ધ, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરીને જો કોઈ ઉદ્યોગ, વ્યક્તિ કે સરકારી વિભાગની બેદરકારી સામે આવે તો તેની સામે દાખલારૂપ કડક કાર્યવાહી થવી જ જોઈએ. સાથે જ, ઘટનાની જાણ હોવા છતાં ફરજમાં બેદરકારી દાખવનાર અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવી જોઈએ. માછલાંના મોતનું સાચું કારણ બહાર આવે ત્યાં સુધી નદીમાંથી પકડાતા માછલાંના વેચાણ અને ઉપયોગ અંગે આરોગ્ય વિભાગે પણ સ્પષ્ટ માર્ગદર્શન જાહેર કરવું જોઈએ. આ ઘટના માત્ર હજારો માછલાંના મોત પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર પર્યાવરણ, જાહેર આરોગ્ય અને શાસકીય જવાબદારી સાથે જોડાયેલો અત્યંત ગંભીર મુદ્દો છે. અત્રે ઉલ્લેખનીય છે, થોડા દિવસ પેહલા વાગરાના વીંછીયાદ ગામના તળાવ તેમજ વિલાયતની ભૂખી ખાડીમાં પણ સેંકડો માછલાંઓ મોતને ભેટ્યા હતા. હવે સમગ્ર જિલ્લાના લોકોની નજર તપાસ પર છે. સત્ય જે પણ હોય તે નિષ્પક્ષ તપાસથી બહાર આવવું જોઈએ અને જો કોઈપણ સ્તરે બેદરકારી કે કાયદાનો ભંગ સાબિત થાય તો દોષિતોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં ન આવે તેવી લોકમાંગ જોર પકડી રહી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!