આમોદ આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે સરકારી યોજના અંતર્ગત નિઃશુલ્ક ‘આયુષ્માન ભવ’ મેગા હેલ્થ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ આયોજિત આ વિશેષ કેમ્પમાં આમોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા.
આ કેમ્પની મુખ્ય વિશેષતા એ રહી હતી કે, જંબુસર-આમોદ વિધાનસભા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય દેવ કિશોર સ્વામીએ પોતે કેમ્પની મુલાકાત લીધી હતી અને સામાન્ય નાગરિકની જેમ પોતાનું રૂટિન મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. તેમની સાથે ભારતીય જનતા પાર્ટી (BJP) ના સ્થાનિક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પની વ્યવસ્થા જાળવવામાં સહભાગી બન્યા હતા.
આ મેગા મેડિકલ કેમ્પમાં સવારથી જ વિવિધ રોગોના સુપર-સ્પેશિયાલિસ્ટ તબીબોએ પોતાની સેવાઓ આપી હતી. કેમ્પ દરમિયાન આંખના રોગો, ચામડી અને ગુપ્ત રોગો, જનરલ સર્જરી તેમજ બાળરોગ (Pediatrics) જેવા ગંભીર અને જટિલ રોગોનું તદ્દન મફત નિદાન અને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ગ્રામીણ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયો હતો, જ્યાં મોંઘી તબીબી તપાસ તદ્દન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાઈ હતી. આ દરમિયાન ધારાસભ્ય દેવ કિશોર સ્વામીએ કેમ્પમાં સારવાર અર્થે આવેલા દર્દીઓની રૂબરૂ મુલાકાત પણ લીધી હતી અને તેમના ખબર-અંતર પૂછી તબીબી સુવિધાઓ અંગે પૃચ્છા કરી હતી.
ચેકઅપ કરાવ્યા બાદ અને દર્દીઓ સાથે સંવાદ સાધ્યા પછી ધારાસભ્ય દેવ કિશોર સ્વામીએ જનમેદનીને સંબોધતા નિયમિત હેલ્થ ચેકઅપના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બદલાતી જીવનશૈલીમાં અનેક ગંભીર બીમારીઓ શરીરમાં ઘર કરી જાય ત્યાં સુધી ખબર નથી પડતી, જેથી સમયસરની તપાસ જ ઉત્તમ ઇલાજ છે. તેમણે સરકારના આ લોકાભિમુખ અભિયાનની સરાહના કરી તમામ નાગરિકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવા અને આવી નિઃશુલ્ક સરકારી સ્વાસ્થ્ય સેવાઓનો મહત્તમ લાભ લેવા ભાવભરી અપીલ કરી હતી.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023