કંપની કેમ્પસમાં જ જીવનનો અંત, પરમ કેમિકલના યુવાન શ્રમિકના મોતથી ચકચાર: વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી પરમ કેમિકલ કંપનીમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. કંપનીમાં કામ કરતા અને કંપનીના કેમ્પસમાં જ રહેતા 25 વર્ષીય શ્રમિકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સમગ્ર કંપની તેમજ શ્રમિક વર્ગમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પ્રાપ્ત વિગતો મુજબ, મૃતકની ઓળખ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી મોહિત પાંડેય બ્રુજેન્દ્રકુમાર ઉં.વ. 25 તરીકે થઈ છે. તેઓ પરમ કેમિકલ કંપનીમાં નોકરી કરતા હતા. અને કંપનીમાંજ રહેતા હતા. કોઈ અગમ્ય કારણોસર તેમણે કંપનીના એડમિન ઓફિસની બાજુમાં આવેલી રૂમમાં પંખા સાથે કેબલ વાયર બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ વાગરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારી રહી છે.
કંપનીમાં જ શ્રમિકોનું રહેઠાણ કેટલું સુરક્ષિત? સાયખા GIDCમાં ફરી ઉઠ્યા ગંભીર સવાલો: સાયખા GIDCમાં આવેલી પરમ કેમિકલ કંપનીમાં કામ કરતા શ્રમિકના મૃત્યુની ઘટના બાદ હવે માત્ર એક બનાવની નહીં, પરંતુ સમગ્ર ઔદ્યોગિક સુરક્ષા વ્યવસ્થાની ચર્ચા શરૂ થઈ છે. અનેક કંપનીઓમાં શ્રમિકોને કંપનીના કેમ્પસમાં જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ આવી વ્યવસ્થા સુરક્ષાના માપદંડોને અનુરૂપ છે કે નહીં તે સવાલ ફરી ચર્ચામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં સાયખાની વી.કે. ફાર્મા કંપનીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં ત્રણ શ્રમિકોના મોત થયા હતા. આવી દુર્ઘટનાઓ દર્શાવે છે કે ઔદ્યોગિક એકમોમાં જોખમ સંપૂર્ણપણે નકારી શકાય તેમ નથી. ત્યારે જો કોઈ કંપનીમાં આગ, બ્લાસ્ટ, કેમિકલ લીકેજ અથવા અન્ય ગંભીર દુર્ઘટના સર્જાય અને ત્યાં જ શ્રમિકો રહેતા હોય, તો તેમની સુરક્ષાની જવાબદારી કોની ગણાશે? ઔદ્યોગિક વિસ્તારોમાં શ્રમિકોના રહેઠાણ માટે જરૂરી સલામતીના ધોરણોનું પાલન થાય છે કે નહીં, તેની નિયમિત તપાસ થાય છે કે કેમ અને સંબંધિત વિભાગો દ્વારા અસરકારક દેખરેખ રાખવામાં આવે છે કે નહીં, તેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે. આ સમગ્ર મુદ્દે તંત્રએ નિયમો મુજબ તપાસ કરી, જ્યાં જરૂરી હોય ત્યાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરીને શ્રમિકોના જીવનની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જરૂરી બની છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com