Geo Gujarat News

અંકલેશ્વરમાં ભરૂચ જિલ્લા પત્રકાર એસોસિએશનની ‘પત્રકાર એકતા પરિષદ’: ઉત્કૃષ્ટ પત્રકારોનું સન્માન

અંકલેશ્વર સ્થિત શારદા ભવન ખાતે ભરૂચ જિલ્લા પત્રકાર એસોસિએશન દ્વારા ‘પત્રકાર એકતા પરિષદ – ભરૂચ જિલ્લા અધિવેશન 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી અને ધારાસભ્ય ઇશ્વરભાઈ પટેલ સહિત વિવિધ રાજકીય, સામાજિક, ઔદ્યોગિક અને પત્રકાર જગતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશન દરમિયાન જિલ્લા અને તાલુકા કક્ષાએ પત્રકારત્વના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પત્રકારોને સન્માનપત્ર અર્પણ કરીને તેમની નિષ્ઠા અને સમાજ પ્રત્યેના યોગદાનને વિશેષ બિરદાવવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના સંબોધનમાં પત્રકારત્વને સમાજનું જીવંત દર્પણ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિઓ કે અન્ય કપરી પરિસ્થિતિઓમાં પણ પત્રકારો પોતાના જીવના જોખમે નિષ્પક્ષ અને જવાબદારીપૂર્વક માહિતી પહોંચાડી લોકજાગૃતિ લાવવાનું અને લોકશાહીને મજબૂત કરવાનું મહત્વનું કાર્ય કરે છે. મહાનુભાવોએ ભરૂચ જિલ્લા પત્રકાર એસોસિએશન દ્વારા પત્રકારોના કલ્યાણ માટે વીમા સુરક્ષા જેવી અમલમાં મુકાયેલી યોજનાઓની પણ ખાસ પ્રશંસા કરી હતી.‘પત્રકાર એકતા પરિષદ’ સમગ્ર જિલ્લામાં પત્રકારોને સંગઠિત કરી તેમની ઓળખ, હિત અને સુરક્ષા માટે સતત કાર્યરત રહી સરાહનીય કામગીરી કરી રહી છે. સમગ્ર કાર્યક્રમના અંતે ભરૂચ જિલ્લા પ્રમુખ અતુલભાઇ મુલાણીએ ઉપસ્થિત તમામ મહેમાનો અને પત્રકાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

 

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!