Geo Gujarat News

વાગરા: JIO પેટ્રોલ પંપ નજીકથી LCB એ મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, ઇનોવામાંથી 7.80 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો, 2 વોન્ટેડ..

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રા પર્વને ધ્યાનમાં રાખી પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે ચલાવવામાં આવી રહેલી સઘન કાર્યવાહીના ભાગરૂપે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે દેરોલ ગામથી વાગરા તરફ આવી રહેલી એક સિલ્વર કલરની ઇનોવા કારને વાગરા સ્થિત JIO પેટ્રોલ પંપ નજીક રોકી તપાસ કરતાં તેમાં મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. LCBની ટીમે જીયો પેટ્રોલ પંપ નજીકથી ઇનોવા કાર નંબર GJ-16-AJ-3334ને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી અલગ-અલગ બ્રાન્ડના દારૂ અને બીયરના કુલ 1,164 નંગ, કિંમત રૂ. 2,70,936નો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પરથી ઇમરાન મહમદ પટેલ (રહે. રહાડ ગામ, તા. વાગરા)ને ઝડપી પાડી તેની સામે વાગરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દારૂ ઉપરાંત ઇનોવા કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 7,80,936નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં મુકેશ મારવાડી (રહે. અંકલેશ્વર, મૂળ કીમ, સુરત) અને મહેન્દ્ર ઠાકોર (રહે. અનોર ગામ, તા. આમોદ) ને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી એલસીબીના પો.સ.ઇ. વી.પી. મલ્હોત્રાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!