‘ડિજિટલ ઈન્ડિયા’ના ગુલબાંગો વચ્ચે ભરૂચ જિલ્લાના આમોદનું આધાર કેન્દ્ર તંત્રની સંવેદનહીનતાનું કાળું અધ્યાય બની ગયું છે. અહીં આવતા વૃદ્ધો, માતાઓ અને વિદ્યાર્થીઓ માટે આ કેન્દ્ર હવે સુવિધાનું સ્થળ નહીં, પણ યાતનાગૃહ સાબિત થઈ રહ્યું છે. કાળઝાળ ગરમીમાં બેઠક વ્યવસ્થા, શુદ્ધ પાણી કે પંખા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ તંત્રની સડતી માનસિકતાનો પુરાવો છે. જ્યારે નાગરિકોને “સર્વર ડાઉન છે” કે “અધિકારી ગેરહાજર છે” જેવા બહાનાઓ હેઠળ ધક્કા ખવડાવવામાં આવે છે, ત્યારે સ્પષ્ટ થાય છે કે તંત્ર જનતાની સુવિધા માટે નહીં, પણ તેમને હેરાન કરવા માટે જ બેઠું છે.
કેન્દ્રની અંદરની સ્થિતિ તો વળી તેનાથી પણ વધુ શરમજનક છે. ટોકન પદ્ધતિના અભાવે અહીં અંધાધૂંધી અને ઝઘડાઓ રોજીંદી બાબત બની ગયા છે. સૌથી આઘાતજનક બાબત તો એ છે કે, જે કચેરીમાં ટેકનોલોજી અને ડિજિટલ સેવાઓનું કામ થવું જોઈએ, ત્યાં ખૂણેખૂણે કરોડિયાના જાળાં અને ગંદકીનું સામ્રાજ્ય વ્યાપેલું છે.
એક તરફ ‘સ્વચ્છ ભારત’ના દાવાઓ અને બીજી તરફ આધાર કેન્દ્રની આ નરકાગાર જેવી સ્થિતિ—આ તંત્રની નિષ્ક્રિયતા અને અણઘડ વહીવટની જીવતી-જાગતી સાક્ષી છે. આ પ્રકારની અંધાધૂંધી જોઈને લાગે છે કે આ કેન્દ્રને સેવાના નામે માત્ર ‘અંધેર વહીવટનો અડ્ડો’ બનાવી દેવામાં આવ્યો છે.
આધાર કાર્ડ એ નાગરિકનો બંધારણીય અધિકાર છે, કોઈની મહેરબાની નથી! આમોદના તંત્રએ હવે આ કુંભકર્ણની નિદ્રામાંથી જાગવાની જરૂર છે. અમારી માંગ છે કે તત્કાલ ધોરણે કેન્દ્રમાં સ્વચ્છતા અભિયાન ચલાવી કરોડિયાના જાળાં સાફ કરવામાં આવે, પારદર્શક ટોકન પદ્ધતિ અમલમાં મુકાય અને સર્વરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી વધારાના કાઉન્ટર્સ શરૂ કરવામાં આવે. શુદ્ધ પાણી અને બેઠક ની વ્યવસ્થા કરવામાં આવે.જો આ જંગલરાજ જેવી સ્થિતિનો તાત્કાલિક અંત નહીં આવે, તો જનતાનો આક્રોશ રસ્તા પર ઉતરતા અચકાશે નહીં. જવાબદાર અધિકારીઓએ યાદ રાખવું જોઈએ કે જો જનતાની સુવિધા માટે નક્કર કામગીરી નહીં થાય, તો તેમને જનતાના રોષનો ભોગ બનવા માટે તૈયાર રહેવું પડશે!
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023