વાગરા તાલુકામાં ગુનાખોરીને જડમૂળથી નાબૂદ કરવા માટે હાથ ધરાયેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન વાગરા પોલીસે વધુ એક નોંધપાત્ર સફળતા મેળવી છે. ગંધાર સ્થિત ONGCના PTYS કેમ્પસમાંથી કોપર કેબલની ચોરી કરી સરકારી સંપત્તિને નિશાન બનાવતી ટોળકીના 4 સભ્યોને પોલીસે રંગેહાથ ઝડપી પાડતાં ગુનાખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મુલેર ચોકડી ખાતે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન મોટરસાયકલ નંબર GJ-16-DB-3061 પર શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા સંજયભાઈ રમેશભાઈ ગોહિલ અને પરેશભાઈ અરવિંદભાઈ વસાવાની તપાસ કરતા તેમની પાસે રહેલી થેલીમાંથી અંદાજે 30 કિલો કોપર વાયર મળી આવ્યો હતો. કડક પૂછપરછમાં બંનેએ કબૂલાત કરી હતી કે, તેઓએ પોતાના અન્ય બે સાથીદાર પ્રકાશભાઈ રમેશભાઈ પરમાર અને રિતેશભાઈ ઠાકોરભાઈ ગોહિલ સાથે મળીને ONGC કેમ્પસ નજીકથી કોપર કેબલની ચોરી કરી હતી. પકડાઈ જવાની બીકે કેબલનું બહારનું આવરણ કાઢી કોપરના તાર ઝાડીઓમાં સંતાડી દીધા હતા. અને વેચવા નીકળ્યા ત્યારે પોલીસના જાળમાં ફસાઈ ગયા હતા. પોલીસે અન્ય 2 સાગરીતોને પણ દબોચી લીધા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 15 હજારનો 30 કિલો કોપર વાયર તેમજ રલ 40 હજારની મોટરસાયકલ મળી કુલ 55 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચારેય આરોપીઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વાગરા પોલીસની આ ત્વરિત અને અસરકારક કાર્યવાહી એ સ્પષ્ટ સંદેશ આપે છે કે સરકારી સંપત્તિ પર હાથ નાખનાર કે વિસ્તારમાં ગુનાખોરી ફેલાવનાર કોઈપણ તત્વને હવે કાયદાના લાંબા હાથથી બચવું મુશ્કેલ બનશે. પોલીસની આ કામગીરીથી વિસ્તારમાં સક્રિય અસામાજિક તત્વોમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com