ક્રેનમાં ફસાઈ પશ્ચિમ બંગાળના શ્રમિકનો જીવ ગયો! વાગરા તાલુકાના ગોલાદરા ગામ નજીક અંભેલ રોડ પર આવેલી KP ગ્રીન એનર્જીની સાઇટ પર પવનચક્કી પ્રોજેક્ટ દરમિયાન સર્જાયેલી ગોઝારી ઔદ્યોગિક દુર્ઘટનામાં મૂળ પશ્ચિમ બંગાળના મોહંમદ નદીમ મોહંમદ શકીલનું કરુણ અને કમકમાટીભર્યું મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. કામ દરમિયાન થયેલી આ ગંભીર દુર્ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક સાઇટ પર સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. મળતી માહિતી અનુસાર, KP ગ્રીન એનર્જીની સાઇટ પર પવનચક્કી માટે ઉપયોગમાં લેવાતી ક્રેનને અન્ય સ્થળે ખસેડવા માટે તેના ભાગોને અલગ કરવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન મોહંમદ નદીમ ક્રેનના કેબિનના પાછળના ભાગે આવેલા પ્લેટફોર્મ પર ઉભા રહી ક્રેનના ઉપરના ભાગે રહેલા બૂમ સાથે જોડાયેલા લોખંડના રસસાને ક્રેનના દ્રમ સાથે વીંટવાનું કામ કરી રહ્યા હતા. એ દરમિયાન અચાનક તેમનો ડાબો પગ લપસી જતા તેઓ નીચે તરફ ધસી ગયા હતા અને ક્ષણવારમાં તેમનો પગ દ્રમ સાથે ફરતા રસસામાં ભયાનક રીતે ફસાઈ ગયો હતો.
KP ગ્રીન એનર્જી સાઇટ પર જીવલેણ અકસ્માત, યુવકનું મોત: આ અકસ્માત એટલો ભયાનક હતો કે દ્રમમાં ફસાઈ જતાં બંને પગ વચ્ચેનો ભાગ ઝાંગથી લઈને કમર સુધી ગંભીર રીતે ચિરાઈ ગયો હતો. ભારે રક્તસ્ત્રાવ વચ્ચે યુવક અસહ્ય પીડાથી ચીસો પાડી ઉઠ્યો હતો. બુમાબુમ સાંભળી આસપાસના કામદારો તાત્કાલિક મદદે દોડી આવ્યા અને ગંભીર હાલતમાં તેને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ડોક્ટરોએ સારવાર દરમિયાન તેને બચાવવા તમામ પ્રયાસો કર્યા છતાં અંતે તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે ગુનો નોંધી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાના કારણો તેમજ સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં તે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ કરુણ દુર્ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે જોખમી ઔદ્યોગિક કામગીરી દરમિયાન કામદારો માટે જરૂરી સુરક્ષા સાધનો, દેખરેખ અને સલામતીના નિયમોનું ખરેખર કડક પાલન થાય છે કે નહીં? જો યોગ્ય સુરક્ષા વ્યવસ્થા હોત તો કદાચ એક યુવાનનો જીવ બચી શક્યો હોત તેવી ચર્ચા પણ સ્થાનિકોમાં જોર પકડી રહી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com